ગત તા.૨૬ ની રાત્રિએ મોરબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય ઝધડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બે રાઉન્ડ ફાયરિંગ થયા હતા જેમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં છ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જે બાદ ગઈકાલે ફાયરિંગ કરનાર શખ્સે સામી ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
તુલશીભાઇ હસમુખભાઇ શંખેશરીયાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર, તુલશીભાઇનાં મામાના દિકરા રાજુભાઇ કોળી તથા રાહુલભાઇ કોળી સાથે દેવદિપસિંહ દરબાર, વિરેન્દ્રસિંહ દરબાર અને એક અજાણ્યો માણસ ઝગડો કરતા હોય જેથી ફરીયાદી તેને સમજાવતા જતા આરોપીઓએ લોખંડના પાઇપ, ધોકા અને લોખંડના પાઇપ વડે તુલશીભાઇને માથાના ભાગે માર મારી ઇજાઓ કરી તેમજ ઢીકાપાટુનો માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે અંગે તુલશીભાઇ હસમુખભાઇ શંખેશરીયાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.