મોરબી જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો જાણે રોકાવાનું નામ ન લઈ રહ્યો હોય તેમ એક બાદ એક અકસ્માતોનાં બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તેવામાં ગત તા.૨૭/૧૦/૨૦૨૨ ના રોજ કચ્છમા મોમાઇ મોરા માતાજીના દર્શન કરી પરત ફરી રહેલ બે યુવકોને અકસ્માત નડ્યો હતો. જેમાં બાઈક સ્લીપ થઈ જતા બંને યુવકોનાં દર્દનાક મોત નિપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢમાં રહેતો ૧૮ વર્ષીય યુવક ગોપાલ ગભુભાઇ સભાળ તેના મિત્રો રાહુલભાઇ તથા અન્ય મિત્રો સાથે કચ્છમા મોમાઇ મોરા માતાજીના દર્શન કરવા માટે ગયેલ હતો. અને દર્શન કરીને પાછા ઘરે આવતા હતા ત્યારે ગોપાલભાઇ ગભુભાઇ સભાળે પોતાનું નંબર પ્લેટ વગરનુ બાઈક ફુલ સ્પીડમા બેફિકરાઈથી ચલાવી નીકળતા સોખડા ગામના પાટીયા પાસે માળીયા થી મોરબી તરફ જતા હાઇવે રોડ ઉપર વચ્ચે ખાડો આવતા બાઈક સ્લીપ ખાઇ જતા બાઈક ચાલક ગોપાલ અને તેની પાછળ બેસેલ રાહુલભાઇ રોડ ઉપર પડતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને કારણે બે પળની મજા સજામાં પરિણમી હતી. તેમજ બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી…