મોરબીમાં દેશી-વિદેશી દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઈડ કરી દેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. અને એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. જયારે એક આરોપી ફરાર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, GJ-03-BA-2968 નંબરની સ્વીફટ ગાડી વનાળીયા ગામથી ખીજડીયા તરફ જનાર છે. જે ગાડીમાં દેશી દારૂનો જથ્થો છે. જે હકીકતના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે વનાળીયા ગામના ઝાંપાથી આગળ ખીજડીયા તરફના રસ્તે વોચ ગોઠવી રાખી બાતમી વાળી ગાડી સ્થળ પરથી પસાર થતા તેને રોકી ચાલક શાહરૂખભાઈ હાસમભાઈ સુમરા (રહે. રણછોડનગર-૦૨ મોરબી)ની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા ગાડીની તપાસ કરવામાં આવી હતી. જે કારમાંથી ૦૫ લીટરની ક્ષમતા વાળા ૧૦ પ્લાસ્ટિકના બાચકામાં રહેલ ૪૦ કોથળીઓ મળી આવી હતી. જેમાં ૨૦૦ લીટર દેશી દારુ ભરેલ મળી આવ્યો હતો. જે અંગે આરોપીને પુછતા તેણે જણાવેલ કે, આ મુદ્દામાલ તે સમીરભાઈ નામના શખ્સને દેવા જઈ રહ્યો છે. જેને લઈ પોલીસે રૂ.૪૦૦૦/-નો દેશી દારૂ અને કાર મળી કુલ રૂ. ૨,૦૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમે બાતમીના આધારે સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના કાંઠે ઘોઘજીભાઈની વાડીની નીચે નદીના પટમાં રેઈડ કરી દેશી પીવાનો દારૂ બનાવવાનો ૫૦૦ લીટર ઠંડો આથો જે એક લીટરની રૂ.૨ લેખે ગણી કુલ રૂ.૧૦૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી ગણેશભાઈ બાવલભાઈ ભોજવીયા (રહે. મેરૂપર તા.હળવદ જી.મોરબી) સ્થળ પર હાજર નહિ મળી આવતા તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.