મોરબીમાં ફરી હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ થયાની ઘટના સામે આવી છે. વાંકાનેર નેશનલ હાઇવે ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાજા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય ઇસમને ગેર કાયદેસર દેશી બનાવટના તમંચા સાથે મોરબી એસ.ઓ.જી. ટીમે પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ દ્વારા તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન એસ.ઓ.જી.સ્ટાફ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન તેઓને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે ચેક્સવાળો શર્ટ તથા આછા બ્લુ કલરનુ જેન્સનુ પેન્ટ પહેરેલ છે અને તે વાંકાનેર નેશનલ હાઇવે સ્ટારપ્લાજા, ચંદ્રપુરના નાલા પાસે ઉભો છે અને તેના પેન્ટના નેફામાં એક દેશી હાથ બનાવટનો તમંચો છે. જે હકીકતના આધારે, સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો કાલુસિંહ ઉર્ફે બલુ પ્રભુસિંહ રાવત (રહે.હાલ માર્કેટીંગ પાર્ડ, મોરબી મુળ રહે.બાર રાજસમંદ રાજસ્થાન) નામનો ઈસમ રૂ.૫,૦૦૦/-ની કિંમતના ગેર કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે મળી આવતા તેના વિરૂધ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.