વાંકાનેરમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટનામાં એક નિર્દોષનાં પ્રાણ હોમાયા છે. જેમાં પગપાળા માટેલ ખોડીયાર માતાજીના દર્શન કરવા જઈ રહેલ મહિલાને મોટરસાઈકલ ચાલકે હડફેટે લેતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકનાં પતિ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટની કેવડી વાડી શેરી નં.૦૫ ગુદાવાડી શાક માર્કેટ પાસે રહેતા મધુસુદનભાઇ જાદવજીભાઇ સોજીત્રાનાં પત્ની મનીષાબેન મધુસુદનભાઇ સોજીત્રા પગપાળા ચાલીને માટેલ ખોડીયાર માતાજીના દર્શન કરવા સારૂ ચાલીને જતા હતા. ત્યારે વાંકાનેર કુવાડવા રોડ ઉપર શીત કેન્દ્ર દુધીની ડેરી અમરસર પાસે રોડ ઉપર પાછળથી જી.જે.૦૩ સી.એન.૯૯૧૮ નંબરના હોન્ડા કંપનીનાં સાઇન મોટરસાઈકલના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને બેદરકારી રીતે ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી વૃધ્ધાને રોડ ઉપર મોટરસાઈકલ ભટકાડતા ફંગોળાઇ જતા અકસ્માત સર્જતા વૃધ્ધાને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા તથા ડાબા હાથના પૌચામા ફેકચર જેવી ઇજા થવાના કારણે વૃધ્ધાનું મોત નીપજ્યું હતું.જેથી મૃતકના પતિએ વાંકાનેર સીટી પોલીસ મથકે બાઈક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.