ટ્રાફિક જામમાં ઊભેલી કારોને ડમ્પરની ટક્કર, અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકીને ફરાર.
બામણબોરથી આગળ ભલગામ પેટ્રોલ પંપ નજીક હાઇવે પર રોડનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જામ થયો હતો. આ દરમિયાન ચોટીલા તરફથી પૂરઝડપે આવેલા ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવી સામેથી આવતી લેનમાં ઊભેલી કિયા સેલ્ટોસ અને મારુતિ સુઝુકી કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને કારને ભારે નુકસાન થયું હતું. જોકે સદનસીબે કારમાં સવાર પરિવાર સહિત કોઈને ઇજા થઈ નહોતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, હાલ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા મૂળ બિહાર રાજ્યના વતની પ્રીતમકુમાર બેનીમાધવસિંહ રાજપૂત ઉવ.૪૧ પોતાની પત્ની અને પુત્રી સાથે મારુતિ સુઝુકી કાર રજી. જીજે-૧૦-ઈએચ-૨૮૧૬ માં ગાંધીનગર દર્શન કરવા જઈ રહ્યા હતા. ગત તા.૨૦ નવેમ્બરની રાત્રે આશરે સાડા આઠ વાગ્યે બામણબોર ચેકપોસ્ટથી આગળ ભલગામ પેટ્રોલ પંપ પાસે હાઇવે પર ટ્રાફિક જામ હોવાથી તેમની કાર ઊભી હતી. તે દરમિયાન ચોટીલા તરફથી આવતા આઇવા ડમ્પર જીજે-૨૭-ટીજી-૯૬૦૭ ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ડમ્પર હંકારી કાબૂ ગુમાવી આગળ ઊભેલી કિયા સેલ્ટોસ કાર રજી.નં. જીજે-૦૩-પીજે-૧૯૩૫ને ટક્કર મારી હતી. ત્યારબાદ બંને કારને અડફેટે લેતાં મારુતિ કારના ચારેય દરવાજા, બમ્પર, બોનેટ, ફેન્ડર અને લાઇટ સહિતના ભાગોમાં નુકસાન થયું હતું. જ્યારે કિયા કારને પણ આગળના બોનેટ, બંને બાજુ અને પાછળના ભાગે નુકસાન થયું હતું.
અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પર વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મારુતિ કારના ચાલક પ્રીતમકુમાર રાજપૂતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






