માળીયા મી. કચ્છ નેશનલ હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતા ડમ્પરના ચાલકે મોટરસાઈકલને હડફેટે લેતા મોટરસાઈકલ સવાર બે લોકોના મોત નિપજ્યા હતા. જયારે એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જે સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી.માં કાજરડા, અમરનગર શેરીમાં રહેતા અકબરભાઇ ગફુરભાઇ માણેક ગત તા.૧૨/૧૨/૨૦૨૩ ના સાંજના સમયે પોતાની મંગેતર મુસ્કાન બેન મુલા તથા સાળી જશીબેન મુલા સાથે માળીયા મી. કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામ પાસેથી પોતાની જી.જે.-૦૩-એફ.જે-૨૩૬૯ નંબરની સ્પેલ્ડર પ્લસ મોટરસાઈકલ પર પસાર થઇ રહ્યા હતા. ત્યારે જી.જે.-૧૨-બીઝેડ-૯૧૬૪ નંબરનાં ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ચાલાવી આગળ જતા ફરિયાદીના સ્પેલ્ડર પ્લસ મોટરસાઈકલમા પાછળથી ભડકાડતા મોટરસાઈકલ નીચે પડી જતા ફરિયાદી અકબરભાઇને જમણા હાથમા તથા જમણી હાસણીના ભાગે મુઢ ઇજા પહોંચી હતી. તેમજ પાછળ બેઠેલ મુસ્કાનને માથાના ભાગે ટાયર ફેરવી દેતા ખોપરી ફાટી જતા તથા જશીબેનને માથામા પાછળના ભાગે ગંભીર ઇજા પહોચાડતા તે બંન્નેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.