હળવદના ખોડ ગામે અગાઉ તળાવના કાંઠે બાવળની કાટમાંથી ૩૫ નંગ વિદેશી દારૂની બોટલ ઝડપાયી હતી જે કેસના આરોપીની તપાસ અર્થે તેના રહેણાંકે જતા આરોપીના ઘરની નજીક જમીનમાં દાટેલ વિદેશી દારૂની વધુ ૮ નંગ બોટલ ઝડપાતા તેને જપ્ત કરી હળવદ પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
હળવદના ખોડ ગામે તા.૦૮/૦૩ ના રોજ હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડતા ખોડ ગ્રામ પંચાયત સામે તળાવના કાંઠે આરોપી હરેશપરીએ બાવળની કાટમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની ૩૫ બોટલ કબ્જે કરી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી હતી.
ઉપરોક્ત કેસમાં આરોપીની તપાસમાં હળવદ પોલીસ ટીમ બીજે દિવસે ખોડ ગામે આરોપીના રહેણાંક મકાને જતા આરોપીના મકાનની પાસે જમીનમાં દાટેલી વિદેશી દારૂની વધુ ૦૮ જેટલી બોટલ મળી આવતા તેને કબ્જે લીધી હતી. ત્યારે આરોપી હરેશપરી સાગરપરી બાવાજી હાજર નહિ મળી આવતા હળવદ પોલીસે આરોપીને ઝડપી લેવા અલગ અલગ દિશામાં શોધખોળ શરુ કરી છે.