મોરબીના પીપળી રોડ અને વાંકાનેરના સરતાનપર-રાતાવીરડા રોડ પરથી વિદેશી દારૂની કુલ ૨૧ બોટલો જપ્ત: મોપેડ સહિત કુલ રૂ.૨૪,૯૪૧/-નો મુદ્દામાલ કબજે
મોરબી તાલુકા અને વાંકાનેર તાલુકા પોલીસે અલગ-અલગ કાર્યવાહી કરી વિદેશી દારૂની હેરાફેરીના બે કેસમાં બે શખ્સોને ઝડપી લીધા હતા. બંને કેસમાં વિદેશી દારૂની નાની-મોટી કુલ ૨૧ બોટલો અને વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે બન્ને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
પોલીસની પ્રથમ કાર્યવાહીમાં મોરબીના પીપળી રોડ પર શિવપાર્ક સોસાયટીના નાકા પાસેથી દર્શનભાઈ જીજ્ઞેશભાઈ દવે ઉવ.૨૭ રહે. શિવપાર્ક સોસાયટી પીપળી ગામ તા.મોરબી વાળાને મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૭ બોટલો કિ.રૂ.૧,૧૯૭/- સાથે અટક કરી હતી. જ્યારે પોલીસની બીજી કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં સરતાનપર-રાતાવીરડા રોડ પર અજય ગંગારામ મેટાળિયા ઉવ.૩૧ રહે. મકનસર મોરબી મૂળ રહે. ચોકી તા.લીંબડી જી. સુરેન્દ્રનગર વાળાને હીરો ડેસ્ટિની મોપેડ રજી.નં. જીજે-૧૩-બીકે-૦૬૮૬ માં લઈ વિદેશી દારૂ રોયલ સ્ટગ વ્હિસ્કીની નાની-મોટી કુલ ૧૪ બોટલો સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે રૂ.૨૦,૦૦૦/-નું મોપેડ અને રૂ.૩,૭૪૪/-ની કિંમતનો દારૂ મળી કુલ રૂ.૨૩,૭૪૪/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.






