વાંકાનેરના રાજાવડલા ગામે એકાદ વર્ષ પહેલાં થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી એક જ સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. હાલ બંને પક્ષે ૮ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે, ત્યારે બંને પક્ષ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરમાં નવા રાજાવડલા ગામે રહેતા રોહિતભાઈ રાજેશભાઇ છત્રોટિયા ઉવ.૧૮ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી અવિનાશભાઈ બેચરભાઈ દેત્રોજા, નવઘણ બેચરભાઈ દેત્રોજા, શ્યામજી વિનોદભાઈ દેત્રોજા, ચેતન બેચરભાઈ દેત્રોજા તમામ રહે.જુના રાજાવડલા ગામવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરીયાદી રોહિતભાઇ તથા આરોપી નવઘનભાઈને એકાદ વર્ષ પહેલા બોલાચાલી થયેલ હોય તેમજ ગઈ તા.૨૯/૦૧ના રોજ ફરીયાદી રોહિતભાઈ પોતાનુ મોટરસાયકલ લઈને જતા હોય ત્યારે આરોપી શ્યામજી રોડ ઉપર ચાલીને જતા હોય આ દરમિયાન શ્યામજીનો હાથ રોહિતભાઈને અડી જતા બોલાચાલી થયેલ બાદ આરોપીઓએ એક સંપ કરી રોહિતભાઈના ભાઈ, પિતા અને કાકાને ગાળો આપી લોખંડના પાઇપ, સળીયા તથા ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આ મારા મરિના બનાવમાં રોહિતભાઈ સહિત ચારેયને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
જ્યારે સામે પક્ષે શ્યામજી વિનોદભાઈ દેત્રોજાએ ઉવ.૨૩ રહે.જુના રાજાવડલા ગામવાળાએ આરોપી રોહિતભાઈ રાજેશભાઈ છત્રોટીયા, રાજેશભાઇ માનસિંગભાઈ છત્રોટીયા, રણેશભાઈ ઉર્ફે કુકો માનસિંગભાઈ છત્રોટીયા, રોનક રાજેશભાઇ છત્રોટીયા વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી કે ફરીયાદી શ્યામજીને ઉપરોક્ત આરોપીઓ સાથે એકાદ વર્ષ પહેલા બોલાચાલી થયેલ જેનો ખાર રાખી ગઈકાલ તા.૨૯/૦૧ ના રોજ ફરિયાદી શ્યામજી તથા સાહેદ સાથે બોલાચાલી કરી લોખંડના પાઇપ તથા લાકડાના ઢીકા વડે હુમલો કર્યો હતો. જે હુમલામાં શ્યામજી, નવઘનભાઈ, અવિનાશભાઈ અને રોનકભાઈને ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉપરોક્ત તમામ આરોપીઓએ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી.
હાલ વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કુલ ૮ સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે, તથા તમામ આરોપીઓની અટક કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.