માળીયા(મી)ના વિદરકા ગામે નવી બનતી કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા મધ્યપ્રદેશના પરિવારના ૧૪ વર્ષના દીકરા પર ચાર ઇસમો દ્વારા ગંભીર રીતે હુમલો કરાયો હતો. જેમાં નવી બનતી કંપની બહાર રોડની સાઈડમાં કુદરતી હાજત કરવા બેસેલ જે ત્યાંથી ફોરવ્હીલ ગાડીમાં નીકળેલ શખ્સોને સારું નહિ લાગતા, આરોપીઓ તલવાર, છરી અને લાકડાના ધોકા સાથે લેબર ક્વાર્ટરની છત પર ચઢી ગયા અને બાળકને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે બાળકને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ ખસેડાયો છે.
માળીયા(મી) તાલુકાના વિદરકા ગામની સીમમાં આવેલી નવી બનતી કંપની “એલીગોલ્ડ માઈક્રોન”ના લેબર ક્વાર્ટરમાં મૂળ મધ્યપ્રદેશના નિવાસી અનિલભાઈ બુધિયાભાઈ વર્મા ઉવ.૩૮ એ માળીયા(મી) પોલીસ સમક્ષ આરોપી જાવેદ ગુલામભાઈ જેડા, સદામ હસનભાઈ કટિયા, યારો શેરમહમદ મોવર તથા એક અજાણ્યો માણસ એમ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. ૭ જૂનના રોજ રાત્રે તેમનો ૧૪ વર્ષનો દીકરા શુભમ અને સાળો સંજયભાઈ વર્મા કંપનીની બહાર કુદરતી હાજતે ગયા હતા. જ્યાંથી આવી બંને લેબર ક્વાર્ટરની છત પર સુવા ગયાં હતાં. ત્યાં અચાનક ચાર શખ્સો તલવાર, છરી અને લાકડાના ધોકા લઈને છત પર ચઢી આવ્યા અને શુભમ પર હુમલો કર્યો હતો.
આરોપી જાવેદ ગુલામભાઈ જેડાએ તલવારથી શુભમના હાથમાં ઘા કર્યો હતો, આરોપી સદામ હસનભાઈ કટિયાએ છરી વડે પડખામાં કેડ નીચે ઘા કર્યો, યારો શેરમહમદ મોવર ડોકની બાજુ છરી વડે ઇજાઓ કરી હતી , જ્યારે ચોથો અજાણ્યો ઇસમે શુભમને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ત્યારે આસપાસની કંપનીના લેબરો દોડી આવ્યા હતા અને બાળકને વધુ મારથી છોડાવ્યો હતો. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને શુભમને મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલુ છે. હાલ માળીયા(મી) પોલીસે ઇજાગ્રસ્ત બાળકના પિતાની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.