મોરબીમાં ટ્રક ખરીદીના નામે ગંભીર છેતરપિંડીનો બનાવ અશોક લેલેન્ડ કંપનીની ટ્રક માટે રૂ.૪,૮૯,૦૦૦ રોકડા તેમજ રૂ.૭૮,૫૦૦ના કુલ ૨૧ હપ્તા મળી રૂ.૨૧ લાખથી વધુ રકમ ચૂકવવા છતાં વેચનાર દ્વારા છરી બતાવી ટ્રક બળજબરીથી લઈ જવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. બનાવ દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી ઘનશ્યામભાઈ દેવાભાઈ ઝરવલીયા ઉવ.૩૯ હાલ રફાળેશ્વર ચોકડી, મોરબી મૂળ ગામ એંજાર તા.ધ્રાંગધ્રા ખાતે રહે છે અને ટ્રક ડ્રાઈવિંગ કરીને ગુજરાન ચલાવે છે. વર્ષ ૨૦૨૩માં ફરિયાદીએ આરોપી ઈરફાનભાઈ ઈસ્માઈલભાઈ સમા રહે. ચંદ્રપુર વાંકાનેર પાસેથી અશોક લેલેન્ડ કંપનીની ટ્રક નં. જીજે-૧૪-એક્સ-૮૯૭૭ જેની કિ.રૂ.૪,૮૯,૦૦૦/- રોકડા ચૂકવી ખરીદી કરી હતી તેમજ ટ્રકના કુલ ૪૫ હપ્તામાંથી ૨૧ હપ્તા રૂ.૭૮,૫૦૦ દરે ભર્યા હતા. ટ્રકની ખરીદી બાબતે નોટરી લખાણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગત તા.૦૬/૦૫/૨૦૨૫ના રોજ શ્રીરામ ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં આરોપી ઈરફાનભાઈ એક અન્ય શખ્સ સાથે આવી ફરિયાદીની પત્નીને છરી બતાવી ધમકી આપી ટ્રકની ચાવી છીનવી ટ્રક લઈ ગયા હતા. ફરિયાદ મુજબ ટ્રક અને લોન ઈરફાનભાઈના નામે હોવા છતાં અસલ આર.સી બુક ફરિયાદી પાસે છે અને અત્યાર સુધી ભરેલા રૂ.૨૧ લાખથી વધુની રકમ કે ટ્રક પરત આપવામાં આવી નથી. આ અંગે ફરિયાદીએ વિશ્વાસઘાત, છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.









