Thursday, July 2, 2026
HomeGujaratમોરબી: સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના હળવદના ખેડૂત પુત્ર માટે બની પથદર્શક

મોરબી: સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના હળવદના ખેડૂત પુત્ર માટે બની પથદર્શક

વિકસતી જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે વાર્ષિક માત્ર ૪% ના રાહતદરે મળે છે રૂ.૧૫ લાખની લોન.

- Advertisement -
- Advertisement -

નબળી આર્થિક સ્થિતિ આડે ‘ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ’ બન્યું વરદાન; હળવદના નવા ઇશનપુર ગામના પરિવારે વ્યક્ત કર્યો સરકારનો આભાર.

મોરબી: આજના વૈશ્વિક સ્પર્ધાના યુગમાં આર્થિક સંકડામણ તેજસ્વી વિદ્યાર્થીઓના વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાના સપના આડે દીવાલ ન બનવા દેવા ગુજરાત સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (વિકસતી જાતિ કલ્યાણ) સતત કટિબદ્ધ છે. સરકારની આ લોકાભિમુખ યોજના મોરબી જીલ્લાના હળવદ તાલુકાના નવા ઇશનપુર ગામના એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર મનીષ સુંદરજીભાઇ જાદવની કારકિર્દી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

નાનપણથી જ વિજ્ઞાન પ્રવાહમાં રૂચિ ધરાવતા મનીષે ધોરણ-૧૨ સાયન્સમાં ૭૫.૬૦% ગુણ મેળવ્યા બાદ કામધેનુ યુનિવર્સિટીમાંથી ‘બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનીમલ હસબંડરી’ ની પદવી મેળવી હતી. મનીષનું સપનું વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું હતું, પરંતુ પરિવારની મર્યાદિત આવકને કારણે વિદેશની ભારેખમ ફી ચૂકવવી અશક્ય હતી. આ સમયે મોરબી સ્થિત ‘જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કચેરી’ ના હકારાત્મક માર્ગદર્શન હેઠળ તેમણે ‘ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ’ પર ઓનલાઈન અરજી કરી હતી. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ વિભાગ દ્વારા મનીષને વાર્ષિક માત્ર ૪% ના સાદા વ્યાજદરે રૂ. ૧૫ લાખની લોન મંજૂર કરવામાં આવી હતી, જેના બળે મનીષે આજે જર્મની (Germany) દેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે સફળતાપૂર્વક પ્રવેશ મેળવી લીધો છે.

યોજનાની મુખ્ય પાત્રતા અને માપદંડ અંગે જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) ડી.એમ. ડાભીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા SEBC, NT/DNT અને અતિ પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પી.એચ.ડી કે ટેકનિકલ કોર્સ માટે રૂ.૧૫ લાખ સુધીની લોન ધિરાણ આપવામાં આવે છે. આ લાભ મેળવવા માટે ધોરણ-૧૨માં લઘુત્તમ ૬૦% ગુણ (NT/DNT અને અતિ પછાત વર્ગ માટે ૫૦%) અને SEBC વર્ગ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૧૦ લાખ કે તેથી ઓછી હોવી અનિવાર્ય છે.

પાત્રતા ધરાવતા રસ ધરાવતા વિદ્યાર્થીઓએ વિદેશ જતા પહેલાં અથવા ગયાના ૬ મહિનાની અંદર esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી સાથે મુખ્ય દસ્તાવેજો તરીકે જાતિ-આવકનો દાખલો, શૈક્ષણિક લાયકાત, વિદેશી યુનિવર્સિટીનો ઓફર લેટર/I-20, પાસપોર્ટ-વીઝા, એર ટિકિટ અને વાલીની મિલકતના આધારો રજૂ કરવાના રહેશે.

ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના આજે આર્થિક રીતે નબળા વર્ગના અસંખ્ય તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આશાનું નવું કિરણ બની છે. મોરબી જીલ્લાના સામાન્ય ખેડૂત પુત્ર મનીષની અભ્યાસ માટેની જર્મની સુધીની સફર એ વાતની પ્રતીતિ કરાવે છે કે જો દ્રઢ સંકલ્પ અને યોગ્ય સરકારી પ્રોત્સાહન મળે, તો આર્થિક મુશ્કેલીઓ ક્યારેય પ્રગતિના પંથે અડચણ બની શકતી નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!