મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર રોડ ખાતે આવેલી મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS-૧ પ્રકારના ૩૩૬ આવાસોની પુનઃ ફાળવણી માટે નવી અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ષ-૨૦૧૭માં બનેલા ૪૦૦ આવાસનો રી-સર્વે કર્યા બાદ અયોગ્ય લાભાર્થીઓ, ખાલી રહેલા આવાસો તથા ચુકવણી અધૂરી હોય તેવા કેસોમાં આવાસ રદ્દ કરી સરકારના નિયમો મુજબ ફરીથી જરૂરિયાતમંદ ઘરવિહોણા શહેરીજનોને ફાળવણી કરાશે. રસ ધરાવતા અરજદારોને તા.૨૮/૦૨/૨૦૨૬ સુધીમાં મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં અરજી અને જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ઘરવિહોણા શહેરીજનોને આવાસ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લીલાપર રોડ ખાતે આવેલા સર્વે નંબર ૧૧૧૬ ની જમીન પર વર્ષ-૨૦૧૭માં IHSDP યોજના હેઠળ કુલ ૪૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ આવાસોના સમયાંતરે ફિલ્ડ સર્વે દરમિયાન કેટલાક આવાસોમાં લાભાર્થી સિવાયના અન્ય આસામીઓ દ્વારા કબજો કરવામાં આવેલ હોવા, કેટલાક આવાસો કાયમી ઉપયોગમાં ન લેવાયેલા હોવા તેમજ કેટલાક કેસોમાં આવાસની સંપૂર્ણ રકમ ભરપાઈ ન થયેલી હોવાનું જણાયું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકા દ્વારા અગાઉ નિર્માણ થયેલા ૪૦૦ આવાસનો રી-સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. રી-સર્વેના આધારે નિયમ અનુસાર અયોગ્ય ઠરેલા આવાસોને રદ્દ કરવાની પ્રક્રિયા કરી કુલ ૩૩૬ આવાસોને સક્ષમ કક્ષાની મંજૂરી અન્વયે રદ્દ કરવામાં આવશે અને આ આવાસો માટે નવી અરજીઓ સ્વીકારવામાં આવશે.
નવી રીતે રજૂ થનાર અરજીઓ પર સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ જરૂરી તપાસ અને પ્રક્રિયા હાથ ધરી ૩૩૬ EWS-1 પ્રકારના આવાસોની પુનઃ ફાળવણી કરવામાં આવશે. આથી મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ ઘરવિહોણા શહેરીજનોને આ યોજનાનો લાભ લેવા માટે આગળ આવવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી મહાનગરપાલિકાની યાદી મુજબ, IHSDP યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક અરજદારોને તા.૨૮/૦૨/૨૦૨૬ સુધીમાં મોરબી મહાનગરપાલિકા કચેરીના આવાસ વિભાગમાં અરજી સાથે જરૂરી સંલગ્ન દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.









