મોરબી તાલુકા પોલીસે થોરાળા ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી ૩૦ ઇન્ડેન ગેસ સિલિન્ડરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ચોરાયેલા ગેસ સિલિન્ડર અને છકડા રીક્ષા સહિત રૂ.૧.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાની તપાસ દરમિયાન સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી ચિરાગ પ્રતાપસિંહ પરમાર ઉવ.૨૪ રહે. હાલ સાત હનુમાન સોસાયટી જેલ રોડ-લીલાપર રોડ મોરબી મૂળ વડાળા ગીર સોમનાથ વાળાને મોરબીના ભડીયાદ ગામની સીમમાં મિલેનિયમ સિરામિક ટાઇલ્સ કારખાનાની પાછળના વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આ સાથે તાલુકા પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા ૩૦ ભરેલા ઇન્ડેન એલપીજી ગેસ સિલિન્ડર કિ.રૂ.૯૯ હજાર તથા ગુનામાં વપરાયેલ છકડો રીક્ષા જીજે-૧૧-એક્સ-૪૨૩૪ કિ.રૂ.૫૦ હજાર મળી કુલ રૂ.૧.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ તાલુકા પોલીસે પકડાયેલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.






