મોરબી: જામનગર-પીપળીયા હાઇવે રોડ ઉપર માર્ગ અકસ્માતના બનાવમાં રાજકોટ સ્થિત કંપનીમાં એન્જીનીયર તરીકે કામ કરતા ઉત્તરપ્રદેશના યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ અકસ્માતમાં મોતના બનવ અંગે મૃતક મોટર સાયકલ ચાલકને કાકાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં જલારામ વાટીકા ન્યુ મણીનગર રહેતા મૂળ હાથરસ જીલ્લાના ગુજરપુર ગામના વતની રાહુલભાઈ પ્રમોદભાઈ શર્મા ઉવ.૩૫ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ટેઇલર રજી.નં. આરજે-૧૯-જીજે-૮૬૯૭ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા અનુસાર ગઈકાલે તા.૨૪/૦૨ના રોજ ફરિયાદીનો ભત્રીજો વિકાસભાઈ મુનેશભાઈ શર્મા પોતાનું મોટર સાયકલ રજી.ન. જીજે-૦૪-બીએલ-૯૯૯૧ લઈને જતો હોય તે દરમિયાન જામનગર-પીપળીયા હાઇવે રોડ ઉપર મોડપર બ્રિજ ઉપર ઉપરોક્ત ટ્રક ટેઇલરના ચાલકે પોતાનું વાહન બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી આવી મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલ ચાલક વિકાસભાઈ ટ્રક ટેઇલરની બોડી સાથે અથડાયા હતા, આ અકસ્માતમાં વિકાસભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેમનું સ્થળ ઉપર કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે ફરિયાદને આધારે આરોપી સામે બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









