મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ અને દબાણ શાખાએ “વન વીક વન રોડ” અભિયાન અંતર્ગત ઘુંટુ રોડ વિસ્તારમાં ૨૮ થી ૩૦ પાકા ગેરકાયદેસર દબાણો જેસીબીની મદદથી દૂર કર્યા, જેના કારણે માર્ગ ઉપરના દબાણ હટતા, વાહન વ્યવહાર સુગમ થયો છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર દબાણમુક્ત રહે તે માટે “વન વીક વન રોડ” અભિયાન હેઠળ દર સપ્તાહે અલગ-અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત આ સપ્તાહે ત્રાજપર ચોકડીથી જૂના ઘુંટુ રોડ સુધીના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મનપાની એસ્ટેટ શાખાએ જાહેર માર્ગમાં નડતરરૂપ બનેલા અંદાજે ૨૮ થી ૩૦ જેટલા પાકા દબાણો જેસીબી મશીન દ્વારા દૂર કર્યા હતા. દબાણોને કારણે વાહનચાલકોને પડી રહેલી હલાકી દૂર થઈ અને સમગ્ર માર્ગ ફરી ખુલ્લો બનાવવામાં આવ્યો છે.
આ તકે મનપાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા જણાવાયું છે કે દર સપ્તાહ આ મુજબની કામગીરી આગળ પણ સતત ચાલુ રહેશે, જેથી શહેરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર સરળ અને સુરક્ષિત બની રહે.









