૧ થી ૮ માર્ચ સુધી #MMC4WOMEN અભિયાન હેઠળ આરોગ્ય, રમતગમત અને જાગૃતિ કાર્યક્રમોની હારમાળા.
મોરબી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ૧ થી ૮ માર્ચ દરમિયાન મહિલા સપ્તાહની ઉજવણી હાથ ધરાઈ છે. #MMC4WOMEN અભિયાન અંતર્ગત મહિલાઓના આરોગ્ય, સુરક્ષા, શિક્ષણ, રમતગમત અને સશક્તિકરણને પ્રોત્સાહિત કરતાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલા સપ્તાહની અનોખી અને વ્યાપક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧ માર્ચથી ૮ માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાનો છે. #MMC4WOMEN અભિયાન અંતર્ગત આરોગ્ય, જાગૃતિ, શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણી તૈયાર કરવામાં આવી છે.
કાર્યક્રમોની મુખ્ય ઝલક:
૧ માર્ચ: સરદાર બાગ ખાતે સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી યોગા અને ઝુમ્બા સેશન. અનુભવી ટ્રેનર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
૨ માર્ચ: નગર દરવાજા ખાતે સાંજે ફ્લેશ મોબ કાર્યક્રમ, શહેરની શાળાઓના વિદ્યાર્થીઓની ભાગીદારી સાથે.
૩ માર્ચ: પટેલ સમાજ વાડી ખાતે હોલિકા દહન કાર્યક્રમ, નારી સન્માન અને સાંસ્કૃતિક એકતાના સંદેશ સાથે.
૫ માર્ચ: ઓમ શાંતિ સ્કૂલ ખાતે “ગુડ ટચ-બેડ ટચ” જાગૃતિ અભિયાન તથા એડલ્ટ એજ્યુકેશન અવેરનેસ કાર્યક્રમ.
૬ માર્ચ: શહેરમાં વિવિધ સ્થળોએ મહિલા હેલ્થ ચેકઅપ કેમ્પ, જેમાં સર્વાઈકલ કેન્સર, સ્તન કેન્સર સ્વ-નિરીક્ષણ, IFA અને એનીમિયા અંગે માર્ગદર્શન તથા દવાઓનું વિતરણ.
૬-૭ માર્ચ: “A Day with Commissioner” કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી અંગે માહિતી આપવામાં આવશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ૧ કલાક માટે કમિશનર તરીકે કામગીરી કરવાનો મોકો મળશે.
૭ માર્ચ: ડી-માર્ટ ખાતે નારી સશક્તિકરણ વિષયક સ્ટ્રીટ પ્લે તેમજ મકનસર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહાનગરપાલિકા મહિલા સ્ટાફ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ.
૮ માર્ચ (મહિલા દિવસ):
વિકાસ વિદ્યાલય ખાતે “મસ્તી સ્ટ્રીટ ફોર વુમન” કાર્યક્રમ.
સરદાર બાગ ખાતે “મહિલા સશક્તિકરણ અને સમાજમાં ભૂમિકા” વિષય પર વકૃત્વ સ્પર્ધા (અંડર-૧૮ અને ઓપન કેટેગરી).
“Women at Work” વિષય પર ફોટોગ્રાફી સ્પર્ધા.
૧૫ અને ૨૨ માર્ચ: મકનસર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલ મોરબી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ.
વકૃત્વ અને ફોટોગ્રાફી સ્પર્ધામાં પ્રથમ ક્રમે રૂ.૨૫૦૦, દ્વિતીય ક્રમે રૂ.૧૫૦૦ અને તૃતીય ક્રમે રૂ.૧૦૦૦ રોકડ ઇનામ આપવામાં આવશે. તેમજ વકૃત્વ સ્પર્ધા, ફોટોગ્રાફી અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છુકે આપેલ ક્યુઆર કોડ સ્કેન કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મહિલા સપ્તાહ અંગે સંપૂર્ણ માહિતી આપતા કમિશનર સ્વપ્નિલ ખરેએ શહેરની તમામ બહેનોને મોટી સંખ્યામાં જોડાઈ આ ઉજવણીને સફળ બનાવવા અપીલ કરી છે.









