મોરબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી દેશવ્યાપી સર્વાઇકલ કેન્સર વિરોધી HPV વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તે અનુસંધાને મોરબી મહાનગરપાલિકા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૨ માર્ચ ૨૦૨૬થી ૧૪ વર્ષ પૂર્ણ કરી ૧૫મું વર્ષ ચાલુ હોય તેવી કિશોરીઓને વિનામૂલ્યે HPV રસી આપવામાં આવશે.
દેશભરમાં ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ માટે HPV વેક્સિનેશન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે મોરબી શહેરમાં ૨ માર્ચ ૨૦૨૬થી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં HPV વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વેક્સિન હાલ માત્ર ૧૪ વર્ષ પૂર્ણ કરી ૧૫મું વર્ષ ચાલુ હોય તેવી કિશોરીઓને જ આપવામાં આવશે. વેક્સિન મેળવવા માટે કિશોરીએ પોતાની જન્મ તારીખ દર્શાવતું ઓળખપત્ર તેમજ માતા-પિતા અથવા વાલીની સંમતિપત્ર સાથે લાવવું ફરજિયાત રહેશે.
વેક્સિન સવારે ૯:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ રહેશે જેમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ગોકુલનગર (શનાળા બાયપાસ પાસે), શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વીસીપરા (ફૂલછાબ કોલોની), શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-લીલાપર રોડ (પરષોતમ ચોક રવાપર રોડ), શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સો ઓરડી (જીલ્લા પંચાયત સામે), શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- વાવડી રોડ (આશાપુરા પાર્ક) ખાતે ઉપલબ્ધ રહેશે. ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવ માટે તમામ પાત્ર કિશોરીઓને આ વિનામૂલ્યે રસીનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.









