મોરબી તાલુકા અને વાંકાનેર વિસ્તારમાં ગઈકાલ તા.૦૨/૦૩ના રોજ ત્રણ અલગ-અલગ અપમૃત્યુના બનાવ નોંધાયા છે. મોરબી તાલુકાના કારખાનામાં કામ દરમિયાન મોત નિપજ્યું, જ્યારે એક રાજકોટના યુવકનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઉપરાંત વાંકાનેર સીટી વિસ્તારમાં કારખાનામાં મજુરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે અકાળે મૃત્યુ પામેલ ત્રણેય બનાવમાં અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના નવા સાદુળકા સ્થિત કલોરીસ કોટીંગ કંપનીમાં કામ કરતા મોહનભાઈ રામકુમાર યાદવ ઉવ.૩૦ ગઈકાલે તા.૦૨/૦૩ના રોજ સવારે કામ દરમ્યાન ચાલતા ચાલતા અચાનક પડી જતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક રીતે અચાનક તબિયત બગડતા પડવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.
બીજા અમૃત્યુના બનાવમાં રાજકોટના મોટી વાવડી વિસ્તારમાં રહેતા પ્રિતકુમાર નંદલાલ ભાલોડીયા ઉવ.૨૭નું મોરબીના લક્ષ્મીનગર બાયપાસ ઓવરબ્રિજ પાસે વાહન અકસ્માતમાં ગંભીર ઇજા થતા ૧૦૮ દ્વારા સરકારી હોસ્પિટલ મોરબી ખાતે ખસેડાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
જ્યારે અપમૃત્યુના ત્રીજા બનાવમાં વાંકાનેરના વધાસીયા ગામની સીમમાં આવેલી ટી.આર. રિફ્રેક્ટરીઝ ફેક્ટરીમાં કામ કરતા મુન્નાભાઈ રામચંદ્ર ભીલ ઉવ.૨૩ મૂળ રાજસ્થાનના રહેવાસીએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્રણેય બનાવોમાં પોલીસ દ્વારા ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી પૂર્ણ કરી અ.મોતની નોંધ રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.









