મોરબી જિલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી સંઘ (ભારતીય મજદૂર સંઘ સંલગ્ન) દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત સરકારનાં શિક્ષણ મંત્રી રિવાબા આર. જાડેજાને મહિલાઓના પ્રશ્નોને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સંઘ દ્વારા જણાવાયું હતું કે, પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં રાજ્યભરમાં અંદાજે 96,000 કર્મચારીઓ કાર્યરત છે, જેમાંથી લગભગ 68,000 જેટલી મહિલાઓ રસોઈયા તરીકે સેવા આપી રહી છે. આ તમામ મહિલાઓમાં મોટી સંખ્યામાં વિધવા અને ત્યક્તા મહિલાઓનો સમાવેશ થાય છે. મહિલા દિવસના અવસરે તેમની પીડા અને પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારીઓ દ્વારા જણાવાયું હતું કે, યોજના હેઠળ કાર્યરત મહિલાઓને નિવૃત્તિ બાદ કોઈપણ પ્રકારનું પેન્શન, ગ્રેચ્યુટી અથવા નાણાકીય સુરક્ષા ઉપલબ્ધ નથી. તેથી નિવૃત્તિ બાદ જીવન નિર્વાહ માટે કોઈ લમ્પસમ સહાય કે પેન્શન જેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ મહિલાઓને માનદ સેવક તરીકે ગણવામાં આવતા હોવાથી શ્રમ કાયદા મુજબ મળતા લાભો મળતા નથી. મહિલાઓને પ્રસૂતિ રજા તથા માસિક સમય દરમિયાન આરામ માટે ખાસ ત્રણ દિવસની સવેતન રજા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત રસોઈયા તરીકે કાર્યરત મહિલાઓને સન્માનજનક રીતે “ભોજન માતા” તરીકે ઓળખ આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત તમામ મહિલાઓને દર વર્ષે બે જોડી સાડી ડ્રેસ કોડ તરીકે આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે, રસોઈ બનાવતી વખતે ગેસ, કુકર વગેરેના કારણે અકસ્માતના બનાવો બનતા રહે છે. આવી સ્થિતિમાં કોઈ મેડિકલ સહાય કે વીમા જેવી વ્યવસ્થા ઉપલબ્ધ નથી. તેથી અકસ્માતમાં મફત સારવાર તેમજ અઘટિત ઘટનામાં મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ ચાર લાખ રૂપિયાના વળતરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા મહિલા મંત્રી તરીકે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા આ મુદ્દાઓને ગંભીરતાથી લઇ યોજનામાં કાર્યરત હજારો મહિલાઓને ન્યાય અપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.









