સામસામી ફરિયાદ બાદ વાંકાનેર સીટી પોલીસે ૧૪ આરોપીઓ સામે ગુનો નોંધ્યો.
વાંકાનેરના ભાટીયા સોસાયટી વિસ્તારમાં વાહન લે-વેચમાં પૈસાની લેતીદેતીના અગાઉના ઝઘડાનો ખાર રાખી બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. બંને પક્ષોના હુમલામાં સ્વીફ્ટ કારને નુકસાન, છરીથી હુમલો તથા ગાડી ચડાવવાનો પ્રયાસ જેવી ઘટના સામે આવી હતી. હાલ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે કુલ ૧૪ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાંકાનેર શહેરના ભાટીયા સોસાયટી વિસ્તારમાં ગત તા. ૯ માર્ચની રાત્રે અગાઉ વાહન લે-વેચના પૈસાની લેતી દેતી બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી બે જૂથ વચ્ચે બોલાચાલી ઝઘડા બાદ જૂથ અથડામણ સર્જાય હતી. જે મામલે પ્રથમ ફરિયાદ મુજબ વઘાસીયા ગામના શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા ઉવ.૩૦ રહે. વઘાસીયા તા.વાંકાનેર વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપીઓ (૧)સંજયભાઈ રાણાભાઈ ખાંડેખા, (૨)બળદેવભાઈ રાણાભાઈ ખાંડેખા, (૩)હરેશભાઈ રાણાભાઈ ખાંડેખા, (૪)અંકુર રાજગોર, (૫)શીવાજી રાજગોર, (૬)રોહિત ખેંગારભાઈ રાજગોર, (૭)રમેશ ધિરૂભાઇ રાજગોર તથા (૮)રાહુલ રાજગોર તમામ રહે. ભાટીયા સોસાયટી વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, તેમના કાકાના દીકરા હરપાલસિંહને અગાઉ સંજય રાજગોર સાથે ગાડી લે-વેચના પૈસા બાબતે ઝઘડો થયો હતો. આ બાબતની દાજ રાખી ભાટીયા સોસાયટીમાં ઉપરોક્ત તમામ આરોપીઓએ ધોકા અને પાઇપ વડે તેમની સ્વિફ્ટ કારના આગળ-પાછળના કાચ તોડી કારને નુકસાન પહોંચાડ્યું તેમજ ગાળો આપી ધમકીઓ આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ઉપરોક્ત આઠેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
જ્યારે સામા પક્ષે ફરિયાદી સંજયભાઈ રાણાભાઈ ખાંડેખા ઉવ.૩૨ રહે.ભાટીયા સોસાયટી વાંકાનેર વાળાએ આરોપી (૧)હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા, (૨)કિશોરસિંહ ઝાલા, (૩)રવિરાજસિંહ કિશોરસિંહ ઝાલા,(૪)પુષ્પરાજસિંહ કિશોરસિંહ ઝાલા ચારેય રહે. ભાટીયા સોસાયટી વાંકાનેર તથા (૫)શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા અને (૬)મહેન્દ્રસિંહ સહદેવસિંહ ઝાલા બંને રહે. વઘાસીયા તા.વાંકાનેર વાળા વિરુદ્ધ નોંધાવેલી સામી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી હરપાલસિંહ કિશોરસિંહ ઝાલાએ તેમના ભાઈ હરેશભાઈને છરી વડે પેટમાં ઇજા કરી હતી. ઉપરાંત આરોપી શિવરાજસિંહ ઝાલાએ સ્વિફ્ટ કાર હંકારી તેમને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે ઉપરોક્ત છ આરોપીઓ સામે પણ ગુનો નોંધ્યો છે.









