મોરબી-વાંકાનેર હાઇવે પર અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકી ફરાર.
મોરબી તાલુકાના લાલપર ગામ નજીક મોરબી-વાંકાનેર હાઇવે પર ટ્રકની અડફેટે પગપાળા રોડ ક્રોસ કરીને જઈ રહેલા ૪૬ વર્ષીય આધેડનું મોત થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ન્યુ ચંદ્રેશ સોસાયટી મુનનગર ચોક પંચાસર રોડ ખાતે રહેતા રાજેશભાઈ ભીખાભાઈ જીવાણી દ્વારા તાલુકા પોલીસ માથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના મોટા ભાઈ રસીકભાઈ ભીખાભાઈ જીવાણી પગપાળા જતા હતા ત્યારે ટ્રક નંબર આરજે-૩૨-જીસી-૬૯૩૭ ના ચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રસીકભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. બનાવ બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









