મોરબીમાં ગઈકાલે રવિવારે ફાયર કંટ્રોલ રૂમ ૧૦૧ ઉપર આગ લાગવાના બે અલગ અલગ બનાવ નોંધાયા હતા. જેમાં યદુનંદન ચેમ્બર નજીક દુકાનમાં તથા શક્તિપ્લોટ વિસ્તારમાં મકાનમાં લાગેલી આગ પર ફાયર ટીમે સમયસર પહોંચી આગ ઉપર કાબૂ મેળવતા કોઈ જાનહાનિ થઈ નથી.
મોરબી શહેરમાં ગઈકાલ તા.૧૫/૦૩/૨૦૨૬ના રોજ રવિવારે ફાયર કંટ્રોલ રૂમ ૧૦૧ ઉપર આગ લાગવાના બે અલગ અલગ બનાવ નોંધાયા હતા. પ્રથમ બનાવ સાંજે લગભગ ૫.૫૬ વાગ્યે ડો. તક્ષસિંહજી રોડ પર ગાંધી ચોક નજીક આવેલ યદુનંદન ચેમ્બર પાસેની એક દુકાનમાં અજાણ્યા કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
જ્યારે આગ લાગવાનો બીજો બનાવ રાત્રે લગભગ ૯.૫૬ વાગ્યે શક્તિપ્લોટ શેરી નંબર ૧૨ મહેશ હોટેલ સામેની શેરીમાં આવેલ એક મકાનમાં બન્યો હતો, જ્યાં એક્ઝોસ્ટ ફેનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી કાર્યવાહી કરી આગને કાબૂમાં લીધી હતી. બંને બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.









