૬૫ હજાર લીધેલા રૂપિયાનું ૫૦ હજાર વ્યાજ ચૂકવ્યા છતાં ઉઘરાણી અને ધમકીઓ, બી ડિવિઝન પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો
મોરબીના લીલાપર વિસ્તારમાં રહેતા એક આધેડ મજૂરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્નીની સારવાર માટે વ્યાજે લીધેલ રકમનું ૫૦ હજાર જેટલું નિયમિત વ્યાજ ચૂકવ્યા છતાં ઉઘરાણી અને ધમકીઓ આપતા વ્યાજખોર પિતા-પુત્ર સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ લીલાપર પ્રકાશનગર સોસાયટી શેરી નં.૨ માં રહેતા અને લીલાપર ચોકડી નજીક નવાગામ રોડ પર આવેલા પંકજ પોટરીના કારખાનામાં મજૂરી કરતા હરેશભાઈ માવજીભાઈ જાદવ ઉવ.૪૬એ આરોપી ધનજીભાઈ દેવજીભાઈ જાદવ તથા મહેશભાઈ ધનજીબગાઈ જાદવ બન્ને રહે. મોરબી-૨ સો ઓરડી વાળા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ માં ફરિયાદીના પત્ની કમળાબેનની તબિયત ખરાબ હોવાથી સારવાર માટે ઉપરોક્ત આરોપી પિતા-પુત્ર પાસેથી માસિક ૫% વ્યાજે ૩૦ હજાર અને ૩૫ હજાર એમ કુલ ૬૫ હહર રૂપિયા લીધા હતા, જે રકમનું આજદિન સુધીમાં ૬૫૦ હજાર જેટલું નિયમિત વ્યાજ ચૂકવી આપ્યા છતાં આરોપીઓ વારંવાર રૂબરૂ તેમજ ફોન દ્વારા વ્યાજ અને મુદ્દલની ઉઘરાણી કરી ધમકાવતા હતા. ત્યારે ગત તા.૦૭/૦૩/૨૦૨૬ના રોજ વ્યાજખોર બંને પિતા-પુત્રની ધમકીઓ અને દબાણથી કંટાળી ફરિયાદી હરેશભાઈએ પોતાના ઘરે ફીનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમના ભાઈ રમેશભાઈ અને પત્ની કમળાબેન તેમને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હાલ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા કલમ તેમજ ગુજરાત નાણા ઘીરધાર કરનાર બાબત અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









