મોરબી તાલુકા પંચાયતની બોડીના પાંચ વર્ષ પૂર્ણ થતાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પાંચ વર્ષ દરમિયાન વિકાસ કાર્યોમાં સહયોગ આપનાર સભ્યો, કર્મચારીઓ અને સહયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પંચાયત ખાતે બોડીના પાંચ વર્ષ પૂર્ણ થતાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પંચાયતની પાંચ વર્ષની કામગીરી અને વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના કાર્યમાં યોગદાન આપનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયત ખાતે છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી પટાવાળા તરીકે આઉટસોર્સ પર ફરજ બજાવતા દિલીપભાઈના લાંબા સમયના સેવાકાર્યને માન આપી તેમને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પરિવાર, તલાટી મંત્રીઓ તેમજ કોન્ટ્રાક્ટરોના સહયોગથી દિલીપભાઈને એક એક્ટિવા બાઈક ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ટંકારા-પડધરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા ભાજપ અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં પ્રમુખના પરિવારજનો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.









