ટંકારા તાલુકાના ઓટાળા ગામ નજીક એક ઇકો કારના ચાલકે પોતાનું વાહન બેફામ અને ગફલતભરી રીતે ચલાવી બે મોટરસાયકલને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે પોલીસે ઇકો કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામના જયસુખભાઈ કાબાભાઈ ડાભીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ઇકો કાર નં.જીજે-૩૬-એસી-૫૮૭૯ના ચાલકે બેફામ અને પુર ઝડપે કાર ચલાવી આવી ટંકારા તાલુકાના ઓટાળા ગામ નજીક રોડની સાઈડમાં ઉભેલ ફરીયાદીના ભાઈ ભવાનભાઈ મોટરસાયકલ નં. જીજે-૧૦-ડીપી-૮૦૯૮ સાથે ઉભા હતા ત્યારે પાછળથી આવી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ભવાનભાઈ રોડની સાઇડમાં ફંગોળાઈ જતા તેમના પગમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઇજાઓ તેમજ માથામાં ટાંકા આવ્યાં હતાં. આ અકસ્માત પહેલા ઇકો કારચાલકે અન્ય એક મોટરસાયકલ નં. જીહે-૧૦-સીએસ-૨૯૪૧ ને પણ અડફેટે લીધું હતું. જેમાં બાઇક ચાલક બલભદ્રસિંહ કિરીટસિંહ જાડેજાને પણ શરીરે ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી. હાલ બનાવ અંગે ટંકારા પોલીસે આરોપી ઇકો કારચાલક સામે બી.એન.એસ. કલમ તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









