લલચામણી સ્કીમ બતાવી ૧.૧૧ કરોડનો નફો થયાનું કહી ટેક્સ-કમિશનના બહાને રૂપિયા ખંખેરીયા.
મોરબીના વેપારીને ટેલીગ્રામ મારફતે શેર બજારમાં ઓનલાઈન ટ્રેડિંગમાં મોટા નફાનો લોભ આપી ઠગાઈ કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપીઓએ પહેલા નાની રકમમાં નફો બતાવી વિશ્વાસ જીત્યો અને બાદમાં શેરબજારમાં રોકાણ કરાવી રૂ.૧.૧૧ કરોડનો નફો થયો હોવાનું બતાવ્યું હતું. ત્યારબાદ નફાની રકમ ઉપાડવા ટેક્સ, કમિશન અને ડોક્યુમેન્ટ ચાર્જના બહાને અલગ અલગ ખાતામાં કુલ રૂ.૫૦.૧૪ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરી હતી. હાલ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ત્રણ ટેલિગ્રામ યુઝર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર ૧૦૨ સીતારામ પેલેસમાં રહેતા વેપારી જતીનભાઈ ચતુરભાઈ કુંડારિયા ઉવ.૪૩એ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપી તરીકે (૧)કેલી એડધરેટ કે8143, (૨)સમીર ગુપ્તા એટધરેટ સમી0957, (૩)કસ્ટમર મેનેજર આઈડી એટધરેટ સીએ19915 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આરોપીઓએ ટેલીગ્રામ મારફતે સંપર્ક કરી શેર બજારમાં ઓનલાઈન ટ્રેડિંગમાં મોટો નફો કરાવવાના બહાના હેઠળ વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં નફો બતાવી વિશ્વાસ કેળવ્યા બાદ તેમને તા.૦૮/૦૮/૨૦૨૫ થી ૦૭/૧૧/૨૦૨૫ દરમિયાન શેરબજારમાં રોકાણ કરાવાયું હતું.
જે બાદ આરોપીઓએ રૂ.૧.૧૧ કરોડ જેટલો નફો થયો હોવાનું બતાવી તે રકમ ઉપાડવા માટે ટેક્સ, કમિશન અને ડોક્યુમેન્ટ ચાર્જના નામે અલગ અલગ યુપીઆઈ અને બેન્ક ખાતામાં કુલ રૂ.૫૦,૧૪,૬૦૩/- ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં તે રકમ ઓળવી જઈ આજદિન સુધી કોઈ રકમ પરત આપી ન હતી. હાલ મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ઉપરોક્ત ત્રણેય ટેલિગ્રામ યુઝર આઇડી ધારક તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.









