મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ કોમ્પ્લેક્ષ પાછળની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ ૩૨ લાખના ટ્રકની અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. હાલ ટ્રકના માલીકની ફરિયાદને આધારે તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ટીંબડી પાટીયા નજીક પાટીદાર ટાઉનશીપમાં બ્લોક નં. ૨૦૨માં રહેતા મૂળ રાજકોટ અયોધ્યા ચોક ખાતે આસ્થા રેસિડેન્સીના રહેવાસી અલકેશભાઈ સવજીભાઈ વારા ઉવ ૩૮ કે જેઓની લક્ષ્મીનગર ગામે શ્રીરામ ઓટો પાર્ટ્સના નામે ટ્રકના સ્પેર પાર્ટ્સની દુકાન છે અને ટ્રાન્સપોર્ટનું પણ કામ કરે છે. ત્યારે અલકેશભાઈને ટ્રાન્સપોર્ટના ધંધાની જરૂરિયાત માટે પાંચેક મહિના પહેલા ટ્રક રજી.નં. જીજે-૧૩-એનએક્સ-૦૨૬૯ ખરીદ કર્યો હતો. જે ટ્રક હાલ સીરામીકના કારખાબ બંધ થયા એટલે તેને લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ શિવધારા કોમ્પ્લેક્ષ પાછળ આવેલ પાર્કિંગમાં પાર્ક કર્યો હતો. ત્યારે ગત તા.૧૨/૦૩ના સવારના ૧૨ વાગ્યાથી તા.૧૩/૦૩ ના બપોરના ૩ વાગ્યા પહેલા કોઈપણ સમયે ઉપરોક્ત પાર્કિંગ કરેલ ટ્રક કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયાનું સામે આવ્યું છે, હાલ અલકેશભાઈએ તાલુકા પોલીસ મથકમાં ટ્રકની ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









