વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે અજાણી મહિલાએ નવજાત બાળકી તરછોડી ફેંકી દેતાં રખડતા પ્રાણીઓના હુમલાથી તેનું દુખદ મોત નિપજ્યું છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અજાણી મહિલાએ તાજી જન્મેલી બાળકીને બિનવારસી હાલતમાં ખુલ્લામાં છોડી દીધી હતી. ત્યારે આ માસૂમ બાળકી ઉપર રખડતા શ્વાન સહિતના પ્રાણીઓ તૂટી પડતા તેને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નિપજ્યું હતું. નવજાત બાળકીનો એક હાથ પણ પ્રાણીઓ દ્વારા ફાડી ખાતા આ ભયાનક દ્રશ્યો જોતા ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને નિષ્ઠુર માતા ઉપર ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે ઘટનાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોરબી ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









