ટંકારા-લતીપર રોડ પર ઓટાળા ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં ૫૯ વર્ષીય મોટર સાયકલ ચાલકને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ટંકારા પોલીસે અકસ્માત સર્જનાર મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
ટંકારા તાલુકાના ઓટાળા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે ટંકારા-લતીપર રોડ પર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટંકારા તાલુકાના ખાખરા ગામના દેવજીભાઈ નરશીભાઈ જખાણીયા ઉવ.૫૯ પોતાના મોટરસાયકલ રજી. નં. જીજે-૦૩-એફએલ-૭૮૦૪ ઉપર જતા હતા ત્યારે દેવજીભાઈ પેટ્રોલ પંપ સાઈડ વાંક વાળતા હોય તે દરમિયાન સામે તરફથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવતા અન્ય હીરો સ્પ્લેન્ડર પ્લસ જીજે-૧૦-ડીકયુ-૩૩૭૬ના ચાલકે દેવજીભાઈના મોટર સાયકલની ટક્કર મારી હતી. અકસ્માતમાં દેવજીભાઈને માથામાં ગંભીર ઈજા થતાં પ્રથમ ટંકારા અને બાદમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હાલ બનાવ અંગે તેમના પુત્ર ભરતભાઈ જખાણિયાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત સર્જનાર આરોપી મોટરસાયકલ ચાલક સામે સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






