મોરબી તાલુકા પોલીસ મથકમાં અપમૃત્યુના બે અલગ-અલગ બનાવ નોંધાયા છે. જેમાં જૂના રફાળેશ્વર રોડ નજીક જાંબુડિયા તળાવમાંથી આશરે ૪૦થી ૪૫ વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જ્યારે જુની પીપળી પાસે ટ્રેક્ટરનું રિપેરિંગ કરતી વખતે હાઇડ્રોલિક લારી શરીર પર પડતાં ૨૮ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે બંને બનાવોમાં અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવની મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકાના જૂના રફાળેશ્વર રોડ પર જિયો ટેક સિરામિક નજીક આવેલા જાંબુડિયા તળાવમાં આશરે ૪૦થી ૪૫ વર્ષના અજાણ્યા પુરુષની લાશ તરતી જોવા મળતા રફાળેશ્વર ગામના નિલેશભાઈ પાચિયાએ પોલીસને જાણ કરતા તુરંત તાલુકા પોલીસ સ્થાકે ઉઓર પહોંચી જરૂરી કામગીરી કરી લાશને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે મૃત્યુના બનાવ અંગે પોલીસે મરણ નોંધ કરી અજાણ્યા મૃતકની ઓળખ તેમજ મૃત્યુના કારણ અંગે તપાસ શરૂ કરી છે.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, જુની પીપળી ખાતે સીફોન સિરામિક નજીક ઇંટના ભઠ્ઠા પાસે ટ્રેક્ટરનું રિપેરિંગ કરતી વખતે પીપળી ગામના ૨૮ વર્ષીય પિંકેશભાઈ રતનભાઈ રાવલ પર હાઇડ્રોલિક લારી પડી જતાં તેમનું મોત થયું હતું. ત્યારે રવિભાઈ મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ લાવર, ફરજ ઉપર હાજર તબીબે બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






