મોરબીના ટીંબડી ગામ નજીક બેફામ ચાલતી રીક્ષામાંથી પડી જતાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતકના પતિની ફરિયાદને આધારે પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, સી.એન.જી. રીક્ષા રજી નં. જીજે-૩૬-ડબલ્યુ-૧૩૫૮ના ચાલકે વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મુસાફરોના જીવને જોખમમાં મૂકી અકસ્માત સર્જ્યો હતો. જેમાં રીક્ષામાં પાછળના ભાગે બેઠેલા વર્ષોબેન મુનેશભાઈ પરમાર ઉવ.૪૧ અચાનક રીક્ષામાંથી રોડ પર પડી જતા તેમને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને સારવાર માટે મોરબી સિવિલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પતિ મુનેશભાઈ નાનજીભાઈ પરમાર રહે. નવી ટીંબડી મોરબી વાળાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી રિક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









