ટંકારા-લતીપર રોડ ઉપર સ્વીફ્ટ કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી માલવાહક રીક્ષાને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માલવાહક વાહન પલ્ટી ખાઈ જતા ડ્રાઈવર સહિત બેને મૂંઢ ઇજાઓ, જ્યારે ૩ વર્ષીય બાળકના હોઠમાં ગંભીર ઈજા થતા દાંત તૂટી ગયા હતા. તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, હાલ ટંકારા પોલીસે સ્વીફ્ટ કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, જામનગરના નવાગામ ઘેડના રહેવાસી દિનેશભાઇ જેસંગભાઈ પરમાર ઉવ.૪૦એ આરોપી સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૦૩-એફડી-૫૯૮૦ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૨/૦૪ના રોજ મોરબીથી પરત જામનગર જતા હોય તે દરમિયાન ટંકારા તાલુકાના ઓટાળા ગામ પાસે લતીપર તરફથી આવી રહેલી ઉપરોક્ત સ્વિફ્ટ કારના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે વાહન હંકારી ફરિયાદીની અશોક લેલન દોસ્ત માલવાહક રીક્ષા રજી.નં. જીજે-૧૦-ટીવાય-૩૨૨૦ સાથે સાઈડથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં રીક્ષા પલ્ટી ખાઈ જતા દિનેશભાઈ પરમાર અને ઉદયસિંહ ભંડેને ઈજા પહોંચી હતી, જ્યારે ૩ વર્ષીય બાળક દેવ ભાલોડીયાને હોઠમાં ઈજા થતા દાંત પડી ગયા હતા. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ જામનગર ખસેડાયા હતા. હાલ પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





