જાહેરમાં ગાળો, મારામારી અને ધમકીઓના બનાવે બંને પક્ષે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
મોરબી-૨ વિસ્તારમાં સો ઓરડી તરી મંદિર નજીક સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બનતા બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. એક તરફ આધેડને માથામાં નળીયાના ટુકડાથી ઇજા પહોંચાડી હતી, જ્યારે બીજી તરફ સામાજિક કાર્યકરને ઢીકાપાટુનો માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે કુલ ત્રણ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી-૨ સો ઓરડી સોસાયટીમાં ચામુંડા નગર શેરી નં.૨ માં રહેતા મગનભાઈ નાનજીભાઈ સોલંકી ઉવ.૪૨એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સિરામિક કારખાનામાં મજૂરી કરે છે. ત્યારે આરોપી રમેશભાઈ જેઠાભાઈ ચાવડાએ તેમને સમાજમાં દારૂ વેચતા હોવાની ખોટી વાતો ફેલાવી બદનામ કરતા હતા. ત્યારે ગઈકાલે તા ૨૬/૦૪ના રોજ બપોરે ત્રિમંદિર પાસે બોલાચાલી દરમિયાન આરોપી રમેશભાઈએ ગાળો આપી થપ્પડો મારી અને નજીક પડેલા નળીયાના ટુકડાથી માથામાં ઘા મારી દેતા ફરિયાદી મગનભાઈને ઇજા પહોંચી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્તને મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા, જ્યાં માથામાં ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
જ્યારે સામાપક્ષે ફરિયાદી રામજીભાઈ ઉર્ફે રમેશભાઈ જેઠાભાઈ ચાવડા ઉવ.૪૪ રહે. માળીયા-વનાળીયા સોસાયટી મોરબી-૨ વાળાએ પણ આરોપી મગનભાઈ સોલંકી અને જયુ ગૌતમભાઈ સોલંકી સામે બી ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ સમાજસેવા અને સરકારી યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરતા હોય, જે બાબતે આરોપીઓને વાંધો હતો. ત્યારે ગઈકાલ ત્રિમંદિર પાસે થયેલી બોલાચાલી દરમિયાન આરોપી મગનભાઈ અને જયુ ગૌતમભાઈએ તેમને ગાળો આપી ઢીકાપાટુનો માર મારતા રમેશભાઈને મૂંઢ ઈજા પહોંચી હતી. હાલ બન્ને બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સમક્ષ નોંધાયેલ સામસામી ફરિયાદમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





