મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ફાયર વિભાગ માટે વ્યસ્ત દિવસ રહ્યો હતો. એક રેસ્ક્યુ કોલ ઉપરાંત અલગ-અલગ ત્રણ સ્થળે આગ લાગવાના બનાવોમાં ફાયર ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે તમામ બનાવોમાં જાનહાનિ ટળી છે.
મળતી માહિતી મુજબ, પહેલા બનાવમાં, હળવદ નજીક કેનાલમાં નહાવા ઉતરેલા તમિલનાડુના બે બાળકો પાણીમાં ગરકાવ થતાં મોરબી અને હળવદ ફાયર ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી, જેમાં ભારે જહેમત બાદ એક બાળકનો મૃતદેહ ગઈકાલે અને બીજાનો આજે બહાર કાઢવામાં આવ્યો હતો.
જ્યારે બીજા બનાવમાં આજે સવારે બેલા ગામના પાટિયા પાસે આવેલી Raffles Speciality Minerals LLP કંપનીમાં આગ લાગી હતી, જયારે ત્રીજા બનાવમાં બપોરે લતીપર રોડ પર ટંકારા નજીક લક્ષ્મીનારાયણ જીનિંગ મિલમાં આગ ભભૂકી હતી અને ચોથા બનાવમાં સિલ્વર પેટ્રોલ પંપ નજીક કચરામાં આગ લાગી હતી.
ત્રણેય બનાવોમાં મોરબી ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. તમામ બનાવોમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાની માહિતી મળી છે.





