માળીયા(મી) તાલુકાના સરવડ ગામે માથાભારે ઈસમ તેના માતાપિતા અને કાકા-કાકીને જાહેરમાં ગાળો આપતો હોય જેથી વેકેશનમાં આવેલ મોરબીના વેપારી યુવકે ગાળો બોલવાની ના પાડતા, માથાભારે શખ્સે વેપારીની સ્વિફ્ટ કારમાં લાકડાના ધોકા અને પથ્થર વડે તોડફોડ કરી નુકસાન પહોચાડ્યું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે માળીયા(મી) પોલીસ મથકમાં વેપારી યુવક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કહેવાતા માથાભારે શખ્સની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબીના સરદારનગર-૨ વંદેમાતરમ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ માળીયા(મી)ના સરવડ ગામના અને સિરામીક ટ્રેડિંગનો ધંધો કરતા નિલેશભાઈ દુર્લભજીભાઈ શેરસીયાએ માળીયા(મી) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ વેકેશન દરમિયાન પોતાના વતન સરવડ ગામે ગયા હતા. ત્યારે ગત તા. ૦૬ મેની રાત્રે તેમના પડોશમાં રહેતા રજનીકાંતભાઈ ગામીના ભત્રીજા ચીરાગભાઈ રમેશભાઈ ગામી પોતાના માતા-પિતા અને કાકા-કાકીને ગાળો બોલી રહ્યો હતો. જેથી ફરિયાદી નિલેશભાઈએ તેને ગાળો ન બોલવા જણાવ્યું હતું. જેથી આ બાબતનો ખાર રાખી આરોપી ચિરાગભાઈ ગામીએ નિલેશભાઈ તથા તેમના માતા-પિતાને પણ ગાળો આપી ધમકી આપી હતી. ત્યારબાદ વહેલી સવારે ફરિયાદીના ઘર આગળ પાર્ક કરેલી સ્વિફ્ટ કાર નં. જીજે-૦૩-એફકે-૩૧૯૭ ઉપર લાકડાના ધોકા અને પથ્થર વડે હુમલો કરી ચારેય દરવાજાના કાચ, સાઈડ મિરર, આગળ-પાછળના કાચ તેમજ હેડલાઇટ તોડી નાખી હતી. ઉપરાંત બોનેટ અને દરવાજામાં પણ ઘા મારી નુકસાન પહોંચાડ્યું હતું. બનાવ અંગે ૧૧૨માં ફોન કરતા પોલીસ દોડી આવી હતી. સમગ્ર મામલે માળીયા(મી) પોલીસે આરોપી ચીરાગ રમેશભાઈ ગામી સામે બીએનએસ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





