મોરબી શહેરની ખોખાણી શેરી વિસ્તારમાં આવેલા બે ઝરઝરિત મકાનો કોઈપણ સમયે ધરાશાયી થવાની ભીતિ વચ્ચે સ્થાનિક રહિશો અને સામાજિક કાર્યકરો દ્વારા મોરબી મહાનગરપાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. ગીચ વસાહત વચ્ચે આવેલા આ મકાનોને લઈને લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મોરબી મહાનગરપાલિકા કમિશ્નરને કરાયેલ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, ખોખાણી શેરીમાં ભરવાડવાળા ખાંચામાં આવેલા બે મકાનો લાંબા સમયથી ઝરઝરિત હાલતમાં ઉભા છે. અગાઉ પણ આ મામલે ઓનલાઇન અરજી કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકા દ્વારા ઓનલાઇન નોંધમાં મકાનો પડી ગયેલા હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જ્યારે હકીકતમાં બંને મકાનો હજુ પણ જોખમી હાલતમાં ઉભા છે. સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશ મેરૂભાઈ રાણેવાડીયા, ગીરીશભાઈ કોટેચા સહિત સ્થાનિક રહિશોએ જણાવ્યું છે કે આ વિસ્તાર ગીચ વસાહત ધરાવે છે અને અહીં નાના બાળકો સતત રમતા હોય છે તેમજ લોકોની અવરજવર પણ વધુ રહે છે. આવી સ્થિતિમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી મોરબી મહાનગરપાલિકાની રહેશે. રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે મકાનની એક બાજુ ખોખાણી શેરીમાં અને બીજી બાજુ માધાણી શેરીમાં ખુલતી હોવાથી આસપાસના રહિશોમાં પણ ભય ફેલાયો છે. સ્થાનિકોએ ચોમાસું શરૂ થાય તે પહેલાં જ આ બંને મકાનો તાત્કાલિક જમીનદોસ્ત કરવા, મકાન માલિકોને નોટિસ પાઠવવા અને સંબંધિત વિભાગને તાત્કાલિક હુકમ કરવા માંગ કરી છે. સમગ્ર મામલે વહેલી તકે કાર્યવાહી ન થાય તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.






