મોરબી તાલુકાના અદેપર ગામ નજીક મચ્છુ-02 ડેમના કાંઠે ધમધમતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી મોટી માત્રામાં દેશીદારૂ અને દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ.1.37 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અને મોરબી જિલ્લા એસ.પી.ના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કવોડ દ્વારા પ્રોહીબીશન વિરોધી ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન એલ.સી.બી. ટીમને ખાનગી બાતમી મળી હતી કે, અદેપર ગામનો અલ્પેશ રણછોડભાઈ કગથરા પોતાની વાડી પાસે મચ્છુ-02 ડેમના કાંઠે દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે. બાતમીના આધારે એલ.સી.બી. ટીમે સ્થળ પર રેઇડ કરતા દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો, તૈયાર દેશીદારૂ, અખાદ્ય ગોળના ડબ્બા તેમજ અન્ય સાધનો મળી આવ્યા હતા. જોકે દરોડા સમયે આરોપી સ્થળ પરથી ફરાર મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી દેશીદારૂ બનાવવાના ઠંડા આથાના 2600 લીટર, અંદાજિત રૂ.65 હજારનો જથ્થો, 200 લીટર દેશીદારૂ કિંમત રૂ.40 હજાર, અખાદ્ય ગોળના 7 ડબ્બા કિંમત રૂ.7 હજાર અને એક સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિત કુલ રૂ.1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી અલ્પેશ રણછોડભાઈ કગથરાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.






