મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગામને સુદ્રઢ પાણી વિતરણ વ્યવસ્થા અને જળ વ્યવસ્થાપન માટે દિલ્હીમાં આયોજિત ‘જલ મહોત્સવ-2026’માં રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં ગામને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા વિભાગ, વાસમો (WASMO) અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) ના સંકલનથી મોરબી જિલ્લાને દેશભરમાં આગવી ઓળખ મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નવી દિલ્હીમાં આયોજિત જલ મહોત્સવ-2026 દરમિયાન મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગામને તેની આધુનિક અને સુઆયોજિત પાણી વિતરણ વ્યવસ્થા માટે રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યું હતું. આ ગૌરવવંતુ સન્માન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મીવાસ ગામે પાણી વિતરણના મજબૂત અને સુવ્યવસ્થિત માળખા દ્વારા સમગ્ર ગુજરાતમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના દરેક ઘર સુધી શુદ્ધ અને પૂરતું પાણી પહોંચાડવા માટે કરવામાં આવેલા સુઆયોજન, ટેકનોલોજી આધારિત વ્યવસ્થાપન અને લોકભાગીદારીની દેશભરમાં પ્રશંસા કરવામાં આવી છે. પાણીનો બગાડ અટકાવવા અને અસરકારક જળ સંચાલન માટે ગામે અપનાવેલી પદ્ધતિઓને કારણે તેને દેશના શ્રેષ્ઠ ગામોની યાદીમાં સ્થાન મળ્યું છે. મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર મહેશ દામા એ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ રાજ્ય સરકારના ત્રણ મહત્વપૂર્ણ વિભાગોના સુચારુ સંકલનનું પરિણામ છે. મોરબી પાણી પુરવઠા વિભાગ, વાસમો (WASMO) અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) એ ખભેખભા મિલાવી કામગીરી કરી છે. વાસમો દ્વારા લોકજાગૃતિ અને આંતરિક માળખું તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યારે GWIL દ્વારા બલ્ક પાઇપલાઇન નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું અને પાણી પુરવઠા વિભાગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. લક્ષ્મીવાસ ગામની આ સફળતા માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બની છે. આ સન્માન એ સાબિત કરે છે કે યોગ્ય આયોજન, ટેકનિકલ સુવિધા અને ગ્રામજનોના સહયોગથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ વૈશ્વિક કક્ષાની સુવિધાઓ વિકસાવી શકાય છે.






