SRH-CSK મેચ પર ચાલતો હતો હારજીતનો જુગાર: પોલીસે કાર, મોબાઈલ અને ડાયરી સહિત રૂ.૩.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે પંચાસર રોડ ઉપર ગીતા મિલ નજીક ઉભેલી કારની અંદર રેઇડ કરી હતી. જેમાંથી આઇપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે તેનો મોરબી સ્થિત રહેતો ભાગીદાર અને રાજકોટ જીલ્લાના જેતપુરમાં રહેતા ત્રણ ગ્રાહકો સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેઓને ફરાર દર્શાવી, પોલીસે સ્થળ પરથી કાર, મોબાઈલ ફોન, રોકડ રકમ અને ડાયરી સહિત કુલ રૂ.૩.૫૦ લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં હાલ આઇપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચો દરમિયાન ઓનલાઈન સટ્ટાબાજીનો કારોબાર પુરજોશમાં ચાલી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. તે દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ આવા સટ્ટાબાજો સામે આકરા પાણીએ હોય તે રીતે ઉપરા-છાપરી દરોડા પાડી સટ્ટાબાજોમાં ફફડાટ ફેલાવ્યો છે. જે દરમિયાન એ ડિવિઝન પોલીસ ટીમને ખાનગી બાતમી મળી હતી કે પંચાસર રોડ ઉપર ગીતા મિલની બાજુમાં રાહુલભાઈ ઉર્ફે મુનાભાઈ વીડજાના કહેવાથી વિશાલભાઈ હસમુખભાઈ ગાંભવા પોતાની ટાટા નેકસોન કાર રજી.નં. જીજે-૩૬-આર-૫૨૪૨ માં બેસીને આઇપીએલ મેચની હારજીત અને રનફેર ઉપર રૂપિયાની હારજીતના સોદા નોંધે છે. જેથી બાતમીના આધારે પોલીસે પંચાસર રોડ ગીતા મિલ નજીકથી આરોપી વિશાલભાઈ હસમુખભાઈ ગાંભવા રહે. પંચાસર રોડ રાજનગર-૩ મૂળ ગામ આમરણ ડાયમંડ નગર તા.જી.મોરબી વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તે ડાયરીમાં રનફેરના આંકડા લખતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ ફોન, રોકડ રકમ, ડાયરી, બોલપેન અને ટાટા નેકસોન કાર સહિત કુલ રૂ.૩,૫૦,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પકડાયેલ ઉપરોક્ત આરોપી આઇપીએલની એસઆરએચ અને સીએસકે વચ્ચે ચાલી રહેલી મેચમાં આરોપી રાહુલભાઈ ઉર્ફે મુનાભાઈ વીડજાના કહેવાથી રનફેરના સેશન પર સટ્ટાના સોદા નોંધતો હતો. આ મામલે રાજકોટ જીલ્લાના જેતપુરના ત્રણ ગ્રાહકો શીવભાઈ મૂળ રહે. સાવર કુંડલા જી.અમરેલી, જયભાઈ ઉર્ફે જયભોલેનાથ મૂળ રહે.રાજુલા જી.અમરેલી અને કાળભૈરવ ઉર્ફે ભાણો મૂળ રહે.જેતપુર જી.રાજકોટ ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સાથે એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી દરોડા દરમિયાન હાજર નહિ મળી આવેલ આરોપીઓને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.






