સ્વીફ્ટ કારમાં આવેલા વૈભવી તસ્કરોએ વહેલી સવારે તરખાટ મચાવ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.
ટંકારાની શ્રી રામ સેલ્સ એજન્સીમાં અજાણ્યા તસ્કરોએ શટરના તાળા તોડી બાગબાન તમાકુના ૧૬ ડબલા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આશરે રૂ.૫૩,૯૨૦/-ના મુદ્દામાલની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.
ટંકારામાં પાન મસાલાની વસ્તુઓનો વેપાર કરતા હિતેષભાઈ રમેશભાઈ ભટાસણા ઉવ.૪૦ રહે. દયાનંદનગર સોસાયટી શેરી નં.૧ ટંકારા વાળાની શ્રી રામ સેલ્સ એજન્સીની દુકાનમાં તસ્કરોએ તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ફરિયાદ મુજબ, ગત તા.૧૭/૦૫ના રોજ અજાણ્યા શખ્સોએ દુકાનને નિશાન બનાવી હતી. દુકાનમાંથી બાગબાન તમાકુનું એક કાર્ટુન, જેમાં તમાકુના ૧૬ ડબલા કિ.રૂ.૫૩,૯૨૦/- ની ચોરી થયાનું સામે આવ્યું હતું. જે બાદ દુકાનના સીસીટીવી ચેક કરતા વહેલી સવારે સફેદ રંગની સ્વીફ્ટ કાર દુકાન આગળ આવી ઉભી રહી હોવાનું તેમજ કારમાંથી ઉતરેલા અજાણ્યા શખ્સોએ શટરનાં તાળા તોડી તમાકુનું કાર્ટુન કારમાં મુકી ફરાર થઈ ગયાનું સામે આવ્યું હતું. હાલ સમગ્ર મામલે ટંકારા પોલીસે આરોપી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ બીએનએસ કલમ ૩૦૫, ૩૩૧(૪), ૫૪ હેઠળ ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.






