ગ્રામ પંચાયત ઓફિસના ગ્રાઉન્ડમાં મારામારી: સરપંચ, ઉપસરપંચ સહિત ૧૯થી ૨૦ લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
વાંકાનેર તાલુકાના તીથવા ગામે તળાવમાંથી માટી કાઢવાના કામના કોન્ટ્રાક્ટ મુદ્દે ગ્રામ પંચાયત ઓફિસના ગ્રાઉન્ડમાં ભારે હોબાળો અને મારામારી સર્જાઈ હતી. ઘટનામાં બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે સામસામી ગુનો દાખલ કર્યો છે. જેમાં એક પક્ષે સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે, જ્યારે સરપંચે પણ હુમલાખોર પાંચ ગ્રામજનો સામે હુમલો અને ધમકીની ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુંડલીના ખારા તરીકે ઓળખાતા તળાવને ઊંડું ઉતારવાના કામને લઈ ગ્રામ પંચાયત અને ગ્રામજનો વચ્ચે વિવાદ સર્જાયો હતો. જીલ્લા આયોજન હેઠળ મંજૂર થયેલ કામ બાબતે ચાલુ ચર્ચા વિચારણા બેઠક દરમિયાન મારામારી થઈ હતી. જે બનાવ અંગે પ્રથમ ફરિયાદમાં આરોપી (૧)ઇસ્માઇલભાઇ પરાસરા તીથવા ગામના સરપંચ, (૨)અબ્દુલભાઇ તીથવા ગામના ઉપસરપંચ, (૩)અહેમદહુશેન પરાસરા, (૪)મુબીન હુશેન પરાસરા, (૫)કે.પી.પરાસરા, (૬)તીથવા ગ્રામપંચાયતના બોડીના ચાર સભ્યો નામ નમુદ નથી, (૭)બીજા અજાણ્યા ચાર થી પાંચ માણસો પાસે ફરિયાદી મનુભાઈ વશરામભાઈ વાઘેલા તથા તેમના પુત્ર મયુરભાઈ તળાવમાંથી માટી ખોદવાના કામ અંગે ચર્ચા કરવા ગ્રામ પંચાયત ઓફિસે ગયા હતા. ત્યારે સરપંચ ઇસ્માઇલભાઈ પરાસરા, ઉપસરપંચ અબ્દુલભાઈ તથા અન્ય સભ્યો સાથે બોલાચાલી થઈ હતી. આરોપીઓએ ઉશ્કેરાઈ ફરીયાદી પિતા-પુત્રને તેમની જ્ઞાતિ અંગે અપશબ્દો કહી જાહેરમાં અપમાનિત કર્યા હતા અને ‘તમારી જ્ઞાતિને કામ નહીં આપીએ’ કહી હડધૂત કર્યા હતા. ત્યારબાદ ગેરકાયદેસર મંડળી બનાવી ઢીંકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ઝપાઝપી દરમિયાન ફરિયાદીનો મોબાઇલ ફોન અને સોનાની ચેઇન પણ પડી ગઈ હોવાનું જણાવાયું છે. સાથે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બીએનએસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જ્યારે સામાપક્ષે તીથવા ગામના સરપંચ ઇસ્માઇલભાઈ આહમદભાઈ પરાસરાએ પણ આરોપી (૧)મનુભાઇ વશરામભાઇ વાઘેલા (૨)મયુર મનુભાઇ વાઘેલા રહે બન્ને હાલ વાંકાનેર મુળ રહે.તીથવા તા.વાંકાનેર (૩)અમૃત વીરજીભાઇ વાઘેલા, (૪)અશ્વીન જયંતિભાઇ વાઘેલા,(૫)રણજીતભાઇ અમૃતભાઇ વાઘેલા રહે.બધા તીથવા ગામ તા-વાકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ, ગ્રામ પંચાયતના સભ્યો તળાવની માટી ગામના ખેડૂતોના હિતમાં ઉપયોગ થાય તે માટે ચર્ચા કરવા ભેગા થયા હતા. ત્યારે આરોપીએ ‘ગ્રાન્ટ અમે મંજૂર કરાવી છે એટલે કામ અમને જ આપવું પડશે’ તેવી માગણી કરી હતી. જેથી સરપંચે કામ લીઝ એગ્રીમેન્ટથી આપવા ઈન્કાર કરતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સરપંચને ગાલ પર ફડાકા મારી દીધા હતા. બાદમાં અન્ય લોકોને બોલાવી સરપંચ સહિત સભ્યોને માર મારવામાં આવ્યો હતો. બનાવમાં શૌકતરજા તથા મુબીનભાઈને ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વાંકાનેર તાલુકા પોલીસે બંને ફરિયાદના આધારે અલગ અલગ ગુનાઓ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






