જમીન વિવાદનો ખાર રાખી કુટુંબી ભાઈ દ્વારા રચાયું હત્યાનું કાવતરું: CCTV અને કોલ ડિટેઇલના આધારે મોરબી તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી રૂ.૪ લાખની સ્કોર્પિયો કબજે કરી.
મોરબી તાલુકાના નીચી માંડલથી વાંકડા જવાના રસ્તે બનેલ અકસ્માતનો બનાવ હકીકતમાં હત્યાના પ્રયાસનું કાવતરું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેમાં જમીન વિવાદના કારણે સગા ભત્રીજા દ્વારા પૂર્વ આયોજનથી પિતા-પુત્રને મારી નાખવાના ઇરાદે સ્કોર્પિયો કારથી ટક્કર મારવામાં આવી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મળતી વિગતો મુજબ, ગત ૧૬ જૂન ૨૦૨૬ના રોજ મોરબી તાલુકાના નીચી માંડલ ગામથી વાંકડા ગામ તરફ જતા કેનાલ પાસે એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ફરિયાદી પ્રાણજીવનભાઈ અને તેમના પુત્ર મેહુલભાઈ કોર્ટની મુદત પૂર્ણ કરીને મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી એક સ્કોર્પિયો ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી, પ્રાથમિક રીતે આ બનાવ અકસ્માતનો લાગતો હતો, પરંતુ તપાસ દરમિયાન ઈજાગ્રસ્ત મેહુલભાઈએ જણાવ્યું હતું કે સ્કોર્પિયોમાં તેમના ગામનો હરેશ ઉર્ફે હર્ષદ દેવજીભાઈ સુરાણી બેઠેલો હતો. આ ઉપરાંત ફરિયાદી પરિવાર અને તેમના કુટુંબી ભાઈ વચ્ચે જમીનને લઈને કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હોવાથી પોલીસને બનાવ પાછળ કોઈ કાવતરાની શંકા ગઈ હતી.
જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ તપાસ હાથ ધરતાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ બપોરથી જ નીચી માંડલ ગામની આસપાસ ફરિયાદી અને તેમના પુત્રની રાહ જોઈ રહ્યા હતા. બંને કોર્ટથી પરત નીકળતાં જ સ્કોર્પિયો તેમની પાછળ લાગી હતી અને પિતા-પુત્ર પૂર્વ આયોજન સ્થળે પહોંચ્યા ત્યારે કારથી તેમબ મોટર સાયકલને ટક્કર મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપીઓના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ મેળવી તપાસ કરતાં જમીન વિવાદના કારણે સમગ્ર કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું હતું.
જેમાં ફરિયાદીનો સગો ભત્રીજો આરોપી ભાવેશભાઈ ભુદરભાઈ બાવરવાએ પોતાના મિત્ર હરેશભાઈ દેવજીભાઈ સુરાણી સાથે મળીને ફરિયાદી અને તેમના પુત્રને અકસ્માતના બહાને જાનથી મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. આ ગુનાને અંજામ આપવા માટે હરેશભાઈના મિત્ર જગદીશભાઈ ખીમજીભાઈ મકવાણાને સ્કોર્પિયો ગાડી ચલાવવા માટે મોટર સાયકલ અપાવવાની લાલચ આપી પોતાની સાથે સામેલ કરવામાં આવ્યો હતો. આ સાથે તાલુકા પોલીસે આરોપી જગદીશભાઈ ખીમજીભાઈ મકવાણા રાપર કચ્છ, હરેશભાઈ દેવજીભાઈ સુરાણી રહે.મોરબી અને ભાવેશભાઈ ભુદરભાઈ બાવરવા જીકીયારી તા.મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લીધેલ રૂ.૪ લાખની કિંમતની મહિન્દ્રા કંપનીની સફેદ રંગની સ્કોર્પિયો કાર પણ કબજે કરી છે. હાલ આ કેસની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.આર. જાડેજા ચલાવી રહ્યા છે.






