ભીડભાડવાળા વિસ્તારોમાં ઓટો રિક્ષામાં મુસાફરોના પર્સ અને દાગીનાની ચોરી કરતી ટોળકી મોટી ચોરીને અંજામ આપે તે પહેલાં મોરબી પોલીસે દબોચી લીધી: રાજકોટના ગુનાનો પણ ભેદ ઉકેલાયો
મોરબી ક્રાઇમ બ્રાંચે નવા બસ સ્ટેશન પાસે શંકાસ્પદ હાલતમાં ફરતા હરિયાણાની આંતરરાજ્ય ચોર ટોળકીના બે પુરુષ અને છ મહિલાઓ સહિત આઠ લોકોને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન એક મહિલા રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલી હોવાનું બહાર આવતા તેને રાજકોટ પોલીસને સોંપવામાં આવી છે. ટોળકી ભીડભાડવાળા વિસ્તારોમાં ઓટો રિક્ષામાં મુસાફરોના પર્સમાંથી રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરતી હોવાનું ખુલ્યું છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ અને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના નવા બસ સ્ટેશન નજીક સુપર માર્કેટ વિસ્તારમાંથી આરોપી (૧)સરીફઅહેમદ રમઝાનખાન ઇસાકખાન ફકીર ઉવ.૩૦ રહે. પીંગોરગામ જુમ્મા મસ્જીદ પાસે તા.હોડલ જી. પલવર રાજ્ય હરિયાણા, (૨)રવી ભુરાસિંગ નનુ ચમાર ઉવ.૨૬, (૩)મમતાબેન રવી ભુરાસિંગ ચમાર ઉવ.૨૫ બંને રહે. ફતેપુર બીલોચ મહાદેવ કોલોની તા.બલ્લવડ જી.ફરીદાબાદ હરીયાણા, (૪)પુષ્પાબેન રામપાલ નનુભાઇ ચમાર ઉવ.૫૦, (૫)સુમન સેરા રામસ્વરૂપ ચમાર ઉવ.૩૦, (૬)ક્રાંતિ નિસુ રામેસર ચમાર ઉવ.૨૦, (૭)ક્રિષ્ના રામપાલ નનુ ચમાર ઉવ.૧૮ વર્ષ ૬ માસ, (૮)પુનમબેન રાજકુમાર રામચંદ ચમાર ઉવ.૩૫ પાંચેય રહે.પીંગોર ગામ નાલાની પાસે તા.હોડલ જી.પલવર થાણા-પલવર સદર રાજ્ય હરિયાણા વાળા એમ બે પુરુષ અને છ મહિલાઓ શંકાસ્પદ રીતે ફરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી મહિલા પોલીસની હાજરીમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેઓ પોતાની હાજરી અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. ત્યારબાદ તમામને મોરબી એલસીબી કચેરી ખાતે લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન આરોપી પુનમબેન રાજકુમાર ચમાર રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું. તેમજ ટોળકીના અન્ય સભ્યો અગાઉ સુરત, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ ટોળકી મોટા શહેરોમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન નજીક ફૂટપાથ પર પડાવ નાખતી હતી. દિવસ દરમિયાન શહેરમાં રેકી કરીને ઓટો રિક્ષામાં મુસાફરો સાથે બેસી તેમની નજર ચૂકવી પર્સ અને બેગમાંથી રોકડ રકમ તથા સોનાના દાગીનાની ચોરી કરતી હતી. ચોરીનો માલ તરત જ ટોળકીના અન્ય સભ્યોને સોંપી પુરાવા નષ્ટ કરીને ફરાર થઈ જવાની તેમની મોડસ ઓપરેન્ડી હોવાનું સામે આવ્યું છે.
હાલ મોરબી પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૯,૪૦૦/- રોકડા અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૯,૯૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટના ગુનામાં સંડોવાયેલી મહિલાને ગાંધીગ્રામ પોલીસને સોંપી દેવામાં આવી છે, જ્યારે બાકીના તમામ સામે મોરબીમાં મિલ્કત વિરુદ્ધ ગુનો આચરવાની પૂર્વ તૈયારી બદલ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.






