અગાઉની બોલાચાલીનો ખાર રાખી બે પરિવારો વચ્ચે મારામારી, ૬ મહિલા સહિત કુલ ૧૦ આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી.
વાંકાનેરના આંબેડકરનગરમાં અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી બે પડોશી પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. બંને પક્ષે એકબીજા સામે હુમલો, ધમકી અને હથિયારો વડે માર માર્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે સામસામી ફરિયાદના આધારે ૬ મહિલા સહિત કુલ ૧૦ લોકો સામે બીએનએસ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર શહેરના આંબેડકરનગર શેરી નં.૩ વિસ્તારમાં ગત તા.૧૯/૦૫ના રોજ મોડી રાત્રે બે પડોશી પરિવારો વચ્ચે જૂની બોલાચાલીના મામલે સામસામી મારામારી સર્જાઈ હતી. બંને પક્ષે લાકડી, લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યાના આક્ષેપો સાથે એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પ્રથમ ફરિયાદ ગીતાબેન મનીષભાઈ બોસીયાએ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેમના દિયર હિતેષભાઈ સાથે થોડા દિવસો પહેલાં થયેલી બોલાચાલીનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી હુમલો કર્યો હતો. આરોપી ભરતભાઈ મગનભાઈ બોસીયાએ લોખંડના પાઇપથી માથામાં ઘા મારી ઇજા પહોંચાડી હતી, જ્યારે અન્ય આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ભરતભાઈ મગનભાઈ બોસીયા, રાધાબેન ભરતભાઈ બોસીયા, નીલેશ મગનભાઈ બોસીયા, મીનાબેન નીલેશભાઈ બોસીયા તથા જબુબેન મગનભાઈ બોસીયા રહે. આંબેડકરનગર શેરી નં.૩, વાંકાનેર સામે ગુનો નોંધ્યો છે.
જ્યારે સામાપક્ષે પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદી ભરતભાઈ મગનભાઈ બોસીયાએ પણ સામી ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી રાજકોટથી આરોપી મનિષ મુળજીભાઈ બોસીયાના ઘર પાસે રહેવા આવતા તે આરોપીઓને ગમતું ન હોય જેથી તેના મનદુઃખને લઈને આરોપીઓએ લાકડી અને ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જે હુમલામાં સાહેદ રાધાબેનને લોખંડના પાઇપના ઘા વાગતા ફેક્ચર જેવી ઇજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સાથે પોલીસે આરોપી મનિષ મુળજીભાઈ બોસીયા, હિતેષ મુળજીભાઈ બોસીયા, ગીતાબેન મનીષભાઈ બોસીયા, ક્રિષ્નાબેન મનીષભાઈ બોસીયા તથા પુરીબેન મુળજીભાઈ બોસીયા રહે. આંબેડકરનગર શેરી નં.૩, વાંકાનેર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને ફરિયાદોમાં વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.






