મોરબી સબ જેલ ખાતે આજે તા.28/05/2026ના રોજ પવિત્ર ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) નિમિત્તે ધાર્મિક સૌહાર્દ અને ભાઈચારાના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ બંદીવાન ભાઈઓ માટે ખાસ નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ તંત્ર દ્વારા તમામ મુસ્લિમ બંદીવાનોને ઈદની શુભેચ્છાઓ પાઠવી તેમના જીવનમાં શાંતિ અને ખુશીઓ માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
મોરબી સબ જેલ ખાતે ઈદ-ઉલ-અઝહા નિમિત્તે સુન્ની મુસ્લિમ સમાજ ટ્રસ્ટના મૌલવીઓની ઉપસ્થિતિમાં મુસ્લિમ બંદીવાન ભાઈઓને નમાઝ અદા કરાવવામાં આવી હતી. ધાર્મિક વિધિ દરમિયાન બંદીવાનોએ દેશની શાંતિ, સૌહાર્દ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે જેલ અધિક્ષકે સમસ્ત મુસ્લિમ બંદીવાન ભાઈઓને પવિત્ર ઈદ-ઉલ-અઝહાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ તેમણે શુભકામનાઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ પવિત્ર તહેવાર તમામ બંદીવાનોના જીવનમાં શાંતિ, સૌહાર્દ, ભાઈચારો અને ખુશીઓ લઈને આવે તથા સમાજમાં એકતા અને પરસ્પર સદભાવના વધુ મજબૂત બને. મોરબી સબ જેલમાં યોજાયેલ આ કાર્યક્રમ ધાર્મિક સહિષ્ણુતા અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો, જેમાં બંદીવાનોમાં પણ તહેવારની ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો.






