મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન, પરિવહન અને બિનઅધિકૃત ખનિજ સંગ્રહ સામે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કડક વલણ અપનાવ્યું છે. ધરમપુર વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન બિનરજિસ્ટર્ડ રીતે ફેલ્સ્પાર ખનિજનો મોટો જથ્થો સંગ્રહિત કરનાર ખાનગી કંપની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થળ પરથી ખનિજનો જથ્થો, ટ્રક અને સમગ્ર પ્રોસેસિંગ પ્લાન્ટ સીઝ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં ખનિજ સંપત્તિના સંચાલન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અંગે સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે મોરબી તાલુકાના ધરમપુર વિસ્તારમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ‘એ.જે. માઇક્રોન પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા કોઈપણ પ્રકારનું સત્તાવાર રજિસ્ટ્રેશન વગર મોટા પ્રમાણમાં ફેલ્સ્પાર ખનિજનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. કલેક્ટરના આદેશથી ભૂસ્તરશાસ્ત્રીની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર ખનિજનો જથ્થો, ટ્રક નંબર GJ-36-V-8105 તથા સમગ્ર પ્રોસેસિંગ પ્લાન્ટ જપ્ત કર્યો હતો. હાલ ખનિજના જથ્થાની ચોક્કસ માપણીની કાર્યવાહી ચાલી રહી છે અને ‘ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ-2017’ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી-વાંકાનેર હાઇવે પર બિનઅધિકૃત રીતે કોલસાનું પરિવહન કરતા શંકાસ્પદ ટ્રકોની પણ તપાસ કરવામાં આવી હતી અને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કેસ ભૂસ્તરશાસ્ત્રી વિભાગને સોંપાયો છે. કલેક્ટરે મચ્છુ નદી પટમાં આવેલી રેતીની ક્વોરી લીઝોની સમીક્ષા પણ કરી હતી. આગામી 30 સપ્ટેમ્બર 2026ના રોજ પૂર્ણ થનારી લીઝોની નવી હરાજી પ્રક્રિયા પારદર્શક અને સમયસર પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકાના વરડુસર અને મક્તાનપર વિસ્તારમાં પણ કલેક્ટરે સેન્ડસ્ટોન અને બ્લેક ટ્રેપ ખનિજ પ્લાન્ટ્સનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. અહીં મેન્યુફેક્ચર્ડ સેન્ડ (M-Sand) બનાવતા પ્લાન્ટ્સની કામગીરીની સમીક્ષા કરી ગુણવત્તાસભર ઉત્પાદન માટે સંચાલકોને જરૂરી સૂચનો આપ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રની આ કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અને આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવાશે તેવો સંદેશ સ્પષ્ટ થયો છે.








