વાંકાનેર તાલુકાના ભેરડા ગામે માતાપિતાને ઘરે રહેતી આઠ માસની ગર્ભવતી મહિલાએ પતિ સામે મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પત્ની દ્વારા બે બાળકોમાંથી કોઈને રાખવાનું કહેતા એકદમ ઉશ્કેરાયેલ પતિએ પેટમાં માર મારતા, મહિલાને પહેલા વાંકાનેર અને બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
વાંકાનેર તાલુકાના ભેરડા ગામે પિયરમાં રહેતા ઇલાબેને પતિ કિશોરભાઈ રામજીભાઈ વઘોરા રહે. જાંબુડીયા ડી-૫ ધર્મસિદ્ધિ સોસાયટી તા.જી.મોરબી વાળા સામે મારપીટ અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ઘરેલુ બાબતે થયેલા ઝઘડાને લઈને ઇલાબેન પિયર રહેતા હોય ત્યારે બાળકો રાખવાની બાબતે આરોપી પતિ કિશોરભાઈ ભેરડા ગામે આવ્યો હતો અને બોલાચાલી બાદ ગર્ભવતી પત્નીને બેફામ માર માર્યો હતો. પતિએ ગર્ભવતી પત્નીને પેટમાં પણ માર મારતા તબિયત બગડી હતી. જતા જતા પતિએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ ૧૦૮ મારફતે પહેલા વાંકાનેર અને બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






