મોરબી તાલુકામાં ગઈકાલ તા.૩૧/૦૫ના રોજ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં અપમૃત્યુના ત્રણ બનાવો નોંધાતા ચકચાર મચી છે. જેમાં ઉંટબેટ (શામપર) ગામે યુવકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે રંગપર ગામે આવેલી સીરામીક ફેક્ટરીમાં કામદાર ૩૦ ફૂટ ઊંચાઈ પરથી પટકાતા જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત ટીંબડી રોડ પર આવેલી ફેક્ટરીમાં ક્રેનનો બેલ્ટ તૂટી જતા પ્લેટફોર્મ નીચે દબાઈ જતાં અન્ય એક શ્રમિકનું મોત નિપજ્યું હતું. અપમૃત્યુના ત્રણેય બનાવોમાં મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકામાં એક જ દિવસ દરમિયાન ત્રણ અલગ અલગ અપમૃત્યુના બનાવો સામે આવ્યા છે. જેમાં ઉંટબેટ (શામપર) ગામે રહેતા ચીરાગભાઇ ભીખાભાઇ રતનાણી ઉવ.૩૪એ કોઇ અગમ્ય કારણસોર ઘઉમાં નાખવાની દવા સેલ્ફોસ નામની ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોરબી મંગલમ હોસ્પિટલ ખાતે મરણ જતા તેઓના સગા સરકારી હોસ્પીટલ મોરબી ખાતે ડેડબોડી લાવતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી મરણ જાહેર કર્યા હતા.
અપમૃત્યુના બીજા બનાવમાં ધીરજભાઇ મોતીલાલ માલવી ઉવ.૩૭ રહે. મોરબી-૨ તાજપર ચોકડી ગોકુલપાર્ક તા.જી.મોરબી મુળ.ચામસી તા.આસથા જી.સીહોર (એમ.પી.) ગઈકાલ તા.૩૧/૦૫/૨૦૨૬ ના સોલેન્ટો સીરામીક રંગપરમાં કામ કરતા હતા ત્યારે પતરા ઉપર થી ૩૦ ફુટની ઉંચાઇએથી નીચે પડી જતા શરીરે ગંભીર ઇજા થતા મરણ ગયેલ છે. ત્યારે મોરબી તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી અ.મોતની નોંધ કરી, આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અપમૃત્યુના ત્રીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, સંતોષભાઇ વીજયભાઇ માહવા ઉવ.૪૦ વાળા એ એન્ડ જે માઇક્રોન પ્રા.લી. કારખાનામા ક્રેઇનથી સાઇકલોન ઉપર લોખંડનુ પ્લેટફોર્મ ચડાવતા હોય ત્યારે ક્રેઇનનો બેલ્ટ તુટી જતા પ્લેટફોર્મ નીચે દબાઇ જતા તેઓને સારવારમાં તાત્કાલિક મોરબીની ક્રિષ્ના હોસ્પીટલમા ખસેડાયા હતા, જ્યાં ચાલુ સારવાર દરમ્યાન સંતોષભાઈ મરણ જતા અત્રે સરકારી હોસ્પીટલમા પી.એમ. માટે લાવતા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.






